18
કરિંથમાં પાઉલ
પાછળથી પાઉલે આથેન્સ છોડયું અને કરિંથના શહેરમાં ગયો. ત્યાં કરિંથમાં પાઉલ અકુલાસ નામના યહૂદિને મળ્યો. અકુલાસ પોન્તસ દેશમાં જનમ્યો હતો. પરંતુ અકુલાસ અને તેની પત્ની પ્રિસ્કિલા તાજેતરમાં ઈટાલીથી કરિંથમાં આવ્યા હતા. તેઓએ ઇટાલી છોડયું કારણ કે કલોદિયસે* ફરમાન કાઢ્યું હતું કે બધા યહૂદિઓએ રોમ છોડવું. પાઉલ અકુલાસ અને પ્રિસ્કિલાની મુલાકાતે ગયો. પાઉલની જેમ તેઓ તંબૂ બનાવવાનું કામ કરતા હતા. પાઉલ તેઓની સાથે રહ્યો અને તેઓની સાથે કામ કર્યુ.
પ્રત્યેક વિશ્રામવારે પાઉલ યહૂદિઓ અને ગ્રીકો સાથે સભાસ્થાનમાં ચર્ચા કરતો હતો. પાઉલ આ લોકોને ઈસુમાં વિશ્વાસ રાખવા માટે સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. સિલાસ અને તિમોથી મકદોનિયાથી કરિંથમાં પાઉલ પાસે આવ્યા. આ પછી પાઉલે તેનો બોધો સમય લોકોને સુવાર્તા કહેવામાં અર્પણ કર્યો. તેણે યહૂદિઓને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. પરંતુ યહૂદિઓએ પાઉલનો બોધ સ્વીકાર્યો નહિ. યહૂદિઓએ કેટલીક ઘણી ખરાબ વસ્તુઓ કહી. તેથી પાઉલે તેના વસ્ત્રો પરની ધૂળ ખંખેરી નાખી. તેણે યહૂદિઓને કહ્યું, “જો તમારું તારણ ન થાય તો તે તમારો પોતાનો દોષ હશે. મારાથી થાય તેટલું બધું મેં કર્યુ છે. આ પછી, હું ફક્ત બિનયહૂદિ લોકો પાસે જઈશ!”
પાઉલે સભાસ્થાન છોડયું અને તિતસ યુસ્તસના ઘરે ગયો. આ માણસ સાચા દેવનું ભજન કરતો. તેનું ઘર સભાસ્થાનની બાજુમાં જ હતું. ક્રિસ્પુસ તે સભાસ્થાનનો આગેવાન હતો. ક્રિસ્પુસ અને તેના ઘરમાં રહેતા બધા જ લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. બીજા ઘણા લોકોએ કરિંથમાં પાઉલનો સંદેશ સાંભળ્યો. તેઓએ પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.
રાત્રિ દરમ્યાન પાઉલે દર્શન જોયું. પ્રભુએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ! લોકો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખ, અને બંધ કરીશ નહિ! 10 હું તારી સાથે છું. તને ઇજા કરવા કોઇ શક્તિમાન થશે નહિ. મારા લોકોમાંના ઘણા આ શહેરમાં છે.” 11 પાઉલ ત્યાં લોકોને દેવનાં વચનોનો બોધ કરવા માટે દોઢ વરસ સુધી રહ્યો.
ગાલિયો સમક્ષ પાઉલ
12 ગાલિયો અખાયા દેશનો અધિકારી બન્યો. તે સમયે, યહૂદિઓ પાઉલની વિરૂદ્ધમાં ભેગા થઈને આવ્યા. તેઓ પાઉલને ન્યાયાસન આગળ લઈ ગયા. 13 યહૂદિઓએ ગાલિયોને કહ્યુ, “યહૂદિઓના આપણા નિયમશાસ્ત્રની તદ્દન વિરૂદ્ધ લોકોને દેવની ભક્તિ કરવાનું શીખવે છે!”
14 પાઉલ કંઈક કહેવા તૈયાર હતો, પરંતુ ગાલિયોએ યહૂદિઓને કહ્યું. ગાલિયોએ કહ્યું, “જો તમે ખરાબ ગુના કે કંઈક ખોટા માટે ફરિયાદ કરવાના હશો તો હું તમને યહૂદિઓને ધ્યાનથી સાંભળીશ. 15 પણ તમે યહૂદિઓ જે વાતો કહો છો. તેમાં શબ્દો, નામો, તમારા પોતાના યહૂદિના નિયમશાસ્ત્ર વિષેની દલીલો માટેના ફક્ત પ્રશ્રો હોય છે. તેથી તમારે તમારી જાતે આવી બાબતોમાં નિકાલ કરવો જોઈએ. હું આ બાબતોમાં ન્યાયાધીશ થવા ઈચ્છતો નથી.” 16 ગાલિયોએ તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
17 પછી તેઓએ બધાએ (સભાસ્થાનના આગેવાન) સોસ્થનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની આગળ સોસ્થનેસને માર્યો. પરંતુ ગાલીયોએ આની કોઇ પરવા કરી નહિ.
અંત્યોખમાં પાઉલનું પાછા ફરવું
18 પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો. પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું. પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા. કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું. આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે. 19 પછી તેઓ એફેસસ શહેરમાં ગયા. જ્યાં પાઉલે પ્રિસ્કિલા અને અકુલાસને છોડ્યા હતા તે આ સ્થળ છે. જ્યારે પાઉલ એફેસસમાં હતો; તે સભાસ્થાનમાં ગયો અને યહૂદિઓ સાથે વાતો કરી. 20 યહૂદિઓએ પાઉલને વધારે લાંબો સમય રહેવા માટે કહ્યું, પણ તેણે અસ્વીકાર કર્યો. 21 પાઉલે તેઓની વિદાય લીધી અને કહ્યું, “જો દેવની ઈચ્છા મને મોકલવાની હશે તો હું તમારી પાસે ફરીથી પાછો આવીશ.” અને તેથી પાઉલે એફેસસથી દૂર વહાણ હંકાર્યુ.
22 પાઉલ કૈસરિયાના શહેરમાં ગયો. પછી તે યરૂશાલેમમાં મંડળીને અભિનંદન આપવા ગયો. તે પછી પાઉલ અંત્યોખ શહેરમાં ગયો. 23 પાઉલ અંત્યોખમાં થોડો સમય રહ્યો. પછી તેણે અંત્યોખ છોડ્યું અને ગલાતિયા તથા ફુગિયાના દેશોમાં થઈને ગયો. આ દેશોમાં પાઉલે ગામડે ગામડે મુસાફરી કરી. તેણે ઈસુના બધા શિષ્યોને વધારે મજબૂત બનાવ્યા.
એફેસસ અને અખાયા (કરિંથ) માં અપોલોસ
24 એક અપોલોસ નામનો યહૂદિ એફેસસમાં આવ્યો. અપોલોસ આલેકસાંદ્રિયા શહેરમાં જનમ્યો હતો. તે એક શિક્ષિત માણસ હતો. તે ધર્મલેખો ઘણી સારી રીતે જાણતો. 25 અપોલોસને પ્રભુ વિષે શીખવવામાં આવ્યું હતું. અપોલોસ જ્યારે લોકોને પ્રભુ વિષે કહેતો ત્યારે તે હંમેશા ઉત્સાહી હતો. અપોલોસને પ્રભુ વિષે જે શીખવવામાં આવ્યું હતું તે સાચું હતું પરંતુ ફક્ત બાપ્તિસ્મા જે અપોલોસ જાણતો તે યોહાને શીખવેલું બાપ્તિસ્મા હતું. 26 અપોલોસે સભાસ્થાનમાં બહુ બહાદુરીપૂર્વક બોલવાનું શરું કર્યુ. પ્રિસ્કિલાએ તથા અકુલાસે તેનો બોધ સાંભળ્યો. તેઓ તેને તેઓના ઘેર લઈ ગયા અને દેવનો માર્ગ વધારે સારી રીતે તેમને સમજવામાં મદદ કરી.
27 અપોલોસ અખાયાના પ્રદેશમાં જવા ઈચ્છતો હતો. તેથી એફેસસના ભાઈઓએ તેમને મદદ કરી. તેઓએ અખાયામાં ઈસુના શિષ્યોને પત્ર લખ્યો. તેઓએ પત્રમાં આ શિષ્યોને અપોલોસને સ્વીકારવા કહ્યું. અખાયાના આ શિષ્યો દેવની કૃપાથી ઈસુમાં વિશ્વાસ કરતા હતા. જ્યારે અપોલોસ ત્યાં ગયો, તેણે તેઓને ઘણી મદદ કરી. 28 તેણે બધા લોકોની આગળ યહૂદિઓની વિરૂદ્ધ ખૂબ મજબૂત દલીલો કરી. અપોલોસ સ્પષ્ટ રીતે સાબિત કર્યુ કે યહૂદિઓ ખોટા હતા. તેણે ધર્મશાસ્ત્રોનો ઉપયોગ કર્યો અને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.
* 18:2 કલોદિયસ ઈ. પૂર્વ 41-54 દરમ્યાન રોમનો સમ્રાટ (શાસક).