3
ઇસ્રાએલને ચેતવણી
1 હે ઇસ્રાએલના લોકો, તમને આખી પ્રજાને યહોવા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતા. હવે તમારી વિરૂદ્ધ યહોવાએ જે વચનો કહ્યાં છે તે સાંભળો:
2 “પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફકત તમને જ મેં પસંદ કર્યા છે. આ માટે હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”
ઇસ્રાએલને સજા આપવાનું કારણ
3 શું બે જણા મળવાને સંમત
થયા વગર સાથે જઇ શકે?
4 શું શિકાર હાથમાં આવ્યા
વગર સિંહ જંગલમાં ગર્જના કરશે?
જો સિંહના બચ્ચાએ કાંઇ પકડ્યું ન હોય
તો પોતાના બિલમાંથી રાડો પાડે?
5 જાળનો ઊપયોગ કર્યા
વગર કોઇપણ પક્ષીને કેવી રીતે પકડી શકે?
સિવાય કે કોઇ પકડાય ફાંસલાની
કમાન બંધ થાય?
6 રણશિંગડું નગરમાં વગાડવામાં આવે
તો લોકો ડર્યા વિના રહે?
શું યહોવાની મરજી વિના યહોવાના હાથ વિના
નગર પર આફત આવે ખરી?
7 પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી.
8 સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?
9 આશ્દોદની અને મિસરના મહેલોમાં રહેતાં લોકોને જાહેર કરી જણાવો કે, “સમરૂનની આસપાસના પર્વત ઉપર તમે ભેગા થાઓ. ત્યાં મચેલી અંધાધૂંધી અને ઇસ્રાએલના સર્વ ગુનાઓનો શરમજનક તમાશો નિહાળો.”
10 યહોવા કહે છે: “ન્યાયથી વર્તવું એટલે શું, એ તમારા લોકો ભૂલી ગયા છે. તેઓ બધા તો બસ, હિંસા અને શોષણથી ચોરી અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”
11 તેથી પ્રભુ યહોવા કહે છે, “દુશ્મન આવે છે, તે દેશ પર આક્રમણ કરશે અને તમારા કિલ્લાઓ તોડી પાડશે અને તમારા મહેલોને લૂંટી લેશે.”
12 યહોવા કહે છે કે,
“જેમ કોઇ ભરવાડ સિંહના મોમાંથી માત્ર બે
પગ કે કાનનો એકાદ ટુકડો બચાવી લે છે,
તેમ સમરૂનના પલંગોમાં
તથા રેશમી ગદેલાના બિછાના
પર બેસનાર ઇસ્રાએલીઓમાંથી
બહુજ થોડા બચવા પામશે.”
13 આ વચનો સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી રાખો. સૈન્યોનો દેવ મારા યહોવા દેવ આમ કહે છે, “યાકૂબના વંશની વિરૂદ્ધ સાક્ષી પૂરો.
14 હું ઇસ્રાએલને તેના પાપો માટે શિક્ષા કરીશ તે દિવસે હું બેથેલની વેદીઓને ધિક્કારીશ, વેદી પરના શિંગડા કાપી નાખવામાં આવશે. અને તેઓ જમીન પર પડી જશે.
15 હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ; અને હાથીદાંતના મહેલો નાશ પામશે ને ઘણા નિવાસસ્થાનોનો નાશ કરીશ.” એમ યહોવા કહે છે.