39
ગોગ અને તેના સૈન્યનું મૃત્યુ
1 “હે મનુષ્યના પુત્ર, તું ગોગની વિરુદ્ધ પ્રબોધ કર અને કહે: યહોવા મારા માલિક તને આ કહે છે, ‘હેરોશ, મેશેખ તથા તુબાલના રાજકર્તા ગોગ, હું તારી વિરુદ્ધ છું.
2 હું તને ધૂમાવીને આગળ ધકેલી દઇશ. તને ઠેઠ ઉત્તરમાંથી દોરીને ઇસ્રાએલના ડુંગરો પર ચઢાઇ કરવાને લવાશે.
3 હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણાં હાથમાંથી તીર છીનવી લઇશ.
4 તું અને તારી સમગ્ર સેના તથા તારી સાથેની બધી પ્રજાઓ ઇસ્રાએલના ડુંગરો પર મૃત્યુ પામશો અને શિકારી પંખીઓ અને જંગલી પ્રાણીઓ તમને ખાઇ જશે.
5 તમે ખુલ્લી જમીન પર પડ્યાં રહેશો.’ ” આ યહોવા મારા માલિક બોલે છે.
6 દેવ કહે છે, “હું માગોગ પર અને દરિયાકિનારે સુરક્ષિત વસતા તારા સર્વ મિત્ર રાજ્યોના લોકો પર અગ્નિ વરસાવીશ અને તેઓ જાણશે કે હું યહોવા છું.
7 હું જોઇશ કે મારા ઇસ્રાએલી લોકોમાં મારું નામ પવિત્રને જાણીતું થાય, અને એને હું હવે કદી અપમાનિત થવા દઇશ નહિ; અને ત્યારે તમામ પ્રજાઓને જાણ થશે કે હું યહોવા, ઇસ્રાએલનો પરમપવિત્ર દેવ છું.
8 આ બધું બનવાનું જ છે, જરૂર આ પ્રમાણે થશે જ આ યહોવા મારા માલિક બોલે છે, જે ન્યાયનો દિવસ આવશે એમ મેં કહ્યું હતું તે આવવાનો જ છે.
9 “ઇસ્રાએલના નગરોના વતનીઓ બહાર નીકળશે અને પોતાનાં હથિયારોના નાનીમોટી ઢાલ, ધનુષ્ય, બાણ અને ભાલાં બાળીને સળગાવી દેશે અને તે સાત વરસ સુધી ચાલશે.
10 સાત વર્ષ સુધી તેઓને બળતણ માટે બીજું કશું વાપરવું પડશે નહિ, માણસોને લાકડાં વીણવા વગડામાં જવું પડશે નહિ કે લાકડા કાપવા જંગલમાં નહિ જાય, પણ હથિયારથી જ તાપણાં સળગતા રાખશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂટશે અને તેમનું પડાવી લેનારનું તેઓ પડાવી લેશે.” આ યહોવા મારા માલિકના વચન છે.
11 દેવ કહે છે, “એ દિવસે હું ગોગ માટે ઇસ્રાએલની ભૂમિમાં મૃતસરોવરની પૂવેર્ આવેલી મુસાફરોની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. તે મુસાફરોનો રસ્તો રોકશે કારણ કે ત્યાં ગોગ અને તેના સમગ્ર સૈન્યને દફનાવાશે અને એ ખીણ ‘ગોગના સૈન્યની’ ખીણ કહેવાશે.
12 એ તમામને દફનાવતા અને દેશને સાફ કરતાં ઇસ્રાએલીઓને સાત મહિના લાગશે.
13 પ્રત્યેક ઇસ્રાએલી તેમાં મદદ કરશે. કારણ કે તે દિવસ ઇસ્રાએલ માટે મહિમાવંત વિજયનો દિવસ હશે જ્યારે હું મારો મહિમા પ્રગટ કરીશ.” એવું યહોવા મારા માલિક કહે છે.
14 દેવ કહે છે, “સાત મહિના પછી દેશમાં ફરતા રહી જમીન પર બાકી રહી ગયેલાં શબો શોધી કાઢી અને તેઓને દફનાવીને દેશને સાફ કરવા માટે માણસો પસંદ કરવામાં આવશે.
15 તે સમયે જો કોઇ વ્યકિત મનુષ્યનું હાડકું જુએ તો તેણે હાડકા પાસે ચિહન મૂકવું. પછી કબર ખોદનારાઓ આવીને તેને ગોગના સૈન્યની ખીણમાં દાટી દે.
16 ત્યાં જે નગર છે તે ‘હામોનાહ’ કહેવાશે અને આમ દેશ પાછો સ્વચ્છ થઇ જશે.”
17 આ યહોવા મારા માલિકના વચન છે, “હે મનુષ્યના પુત્ર, યહોવા મારા માલિક કહે છે, ‘હવે પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને બોલાવ અને તેઓને કહે: મહાબલિદાનરૂપ ઉજાણી માટે એકઠાં થાઓ, પાસેના તથા દૂરના સર્વ ઇસ્રાએલના પર્વતો પર આવો, આવો, માંસ ખાઓ અને લોહી પીઓ!
18 યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના રાજકર્તાઓનું લોહી પીઓ. એ બધા તમારા ઘેટાંબકરાં છે અને બાશાનના માતેલા બળદો છે.
19 તૃપ્ત થાઓ ત્યાં સુધી તમે ચરબી ખાઓ અને જ્યાં સુધી નશો ના ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ. આ બલિદાનયુકત ઉજાણી મેં તમારા માટે જ તૈયાર કરી છે.
20 મારા ભોજનસમારંભની મેજ પર તમે ઉજાણી માણો, ઘોડાઓ, ઘોડેસવારો અને શૂરવીર યોદ્ધાઓની ઉજાણી માણો.’ ” એમ યહોવા મારા માલિક કહે છે.
21 દેવ કહે છે, “આ રીતે હું બીજી પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. ગોગને થયેલી શિક્ષા સર્વ લોકો જોશે અને તેઓ જાણશે કે મેં તે કર્યું છે.
22 તે દિવસથી ઇસ્રાએલીઓ જાણવા પામશે કે હું તેમનો દેવ યહોવા છું.
23 બધી પ્રજાઓ જાણશે કે ઇસ્રાએલીઓએ પાપ કર્યા હતા, તેઓ મને વિશ્વાસઘાતી નીવડ્યા હતા. માટે તેમને દેશવટે જવું પડ્યું હતું. એથી મેં તેમનાથી વિમુખ થઇને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા, અને તેઓ બધા જ તરવારનો ભોગ બન્યા હતા.
24 તેમનાં ષ્ટાચાર અને પાપોને ઘટે એ રીતે જ મેં તેમની સાથે વ્યવહાર રાખ્યો અને હું તેમનાથી વિમુખ થઇ ગયો હતો.”
25 “પણ હવે, હું યાકૂબના વંશજો ઇસ્રાએલીઓ પર દયા કરી તેમનો ભાગ્યપલટો કરીશ. બંદીવાસનો અંત લાવીશ, અને તેઓની આબાદી પાછી આપીશ; કારણ કે હું મારા પવિત્ર નામની પ્રતિષ્ઠા વિષે જાગૃત છું.
26 તેઓ પાછા પોતાના વતનમાં શાંતિને સલામતીમાં રહેતા થશે. અને તેઓ કોઇનાથી ડરશે નહિ, ત્યારે મારા પ્રત્યે વિશ્વાસઘાતી થવાની સજા અને શરમ પૂરા થશે.
27 હું તેઓને પોતાના શત્રુઓના દેશમાંથી ઘેર પાછા લાવીશ. હું તેમ કરીશ ત્યારે મારો મહિમા સર્વ પ્રજાઓ સમક્ષ દ્રશ્યમાન બનશે. તેમના મારફતે હું બીજી પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઇશ.
28 અને ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો દેવ યહોવા છું, કારણ, મેં તેમને બીજી પ્રજાઓમાં દેશવટે મોકલ્યા હતા. અને હું જ તેમને પોતાના વતનમાં પાછા ભેગા કરનાર છું. એકને પણ બહાર રહેવા દેનાર નથી.
29 અને ઇસ્ત્રાએલી કુળ પર મારો પ્રાણ રેડ્યા પછી ફરી કદી હું તેમનાથી વિમુખ નહિ થાઉં?” આમ યહોવા મારા માલિક કહે છે.