13
બાબિલની પડતી ને વિજયનું દર્શન
1 આમોસના પુત્ર યશાયાને બાબિલ વિષે યહોવાએ સંદર્શન આપ્યું તે આ રહ્યું:
2 “ઉજ્જડ પર્વત પર ધ્વજા ઊંચે ફરકાવો.
તેઓને ઊંચે સાદે હાંક મારો,
હાથના ઇશારા કરો
કે તેઓ ઉમરાવોના દરવાજા પર ત્રાટકે.”
3 દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા
યોદ્ધાઓને મારા સૈનિકોને,
મારા વિશ્વાસુ લડવૈયાઓને,
મારો વિરાટ ગુસ્સો બતાવવાનો મેં હુકમ કર્યો છે.
4 “સાંભળો! પર્વતો પર મોટી મેદનીનો કોલાહલ સંભળાય છે!
ભેગા થતાં રાજ્યોનો અને પ્રજાઓનો શોરબકોર સાંભળો!
સૈન્યોના દેવ યહોવા,
યુદ્ધ માટે સૈન્યોને ભેગાં કરે છે.
5 યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા
યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી,
ક્ષિતિજને પેલે પારથી સમગ્ર
દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”
6 આક્રંદ કરો, કારણ કે યહોવાનો દિવસ આવી ગયો છે. સર્વ શકિતશાળી તરફથી સર્વનાશ આવશે.
7 બધા લોકોના હાથ ખોટા થઇ જશે. તેમના હૃદય હારી જશે.
8 તેઓ દુ:ખ અને વેદના અનુભવશે, પ્રસવવેદના ભોગવતી સ્ત્રી જેમ તેઓ કષ્ટ પામશે; તેઓ ગભરાઇ જશે અને ડરથી એકબીજા સામે અનિમેષ ષ્ટિથી જોયા કરશે.
બાબિલ વિરુદ્ધ દેવનો ન્યાય
9 જુઓ, યહોવાનો દિવસ આવે છે; તે રોષ અને ભયંકર ક્રોધથી નિર્દય બનીને ધરતીને ઉજ્જડ કરી નાખશે અને તેમાંથી પાપીઓનો સંહાર કરશે;
10 આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપતાં બંધ થઇ જશે. સૂર્ય ઊગતાંની સાથે ઘોર અંધકાર થઇ જશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.
11 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું જગત ઉપરનાં પાપો માટે આફત ઉતારીશ; તેમના ગુનાઓ માટે દંડ ફટકારીશ. હું ઉદ્ધત વ્યકિતઓનું અભિમાન ઉતારીશ.
12 જુલમગારોની તુમાખીને ધૂળ ચાટતી કરી નાખીશ. ઓફીરના શુદ્ધ સોનાની માફક લોકો પણ દુર્લભ થઇ જશે.
13 હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”
14 બાબિલમાં વસતા વિદેશીઓ જેની પાછળ શિકારીઓ પડ્યાં છે, એવાં હરણાંની જેમ અથવા રેઢાં મૂકેલાં ઘેટાંની જેમ, પોતાને વતન પોતાના લોકોમાં ભાગી જશે.
15 બાબિલમાં રહેતા દરેક જણ જે પકડાઇ ગયાં છે, તેઓને ભાલાથી વીંધી નાખવામાં આવશે અને પકડાયેલો દરેક જણ તરવારનો ભોગ બનશે.
16 તેમનાં બાળકોને તેમનાં દેખતાં પછાડીને મારી નાખવામાં આવશે, તેમનાં ઘરો લૂંટી લેવામાં આવશે, અને તેમની સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવશે.
17 “કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ,
18 બાબિલના યુવાનો, બાળકો કે વૃદ્ધો પર લશ્કરના સૈનિકો દયા દાખવશે નહિ.
19 સદોમ અને ગમોરાનો નાશ યહોવાએ આકાશમાંથી આગ મોકલીને કર્યો હતો.
“તે જ પ્રમાણે રાજ્યોમાં સૌથી ગૌરવવાન, ખાલદીઓના વૈભવ અને ગર્વરૂપ બાબિલ તેમના હાથે ખેદાનમેદાન થઇ જશે.
20 એમાં ફરી કદી વસતિ થશે નહિ, દીર્ઘકાળપર્યંત એમાં કોઇ વસશે નહિ, કોઇ ભટકતી ટોળી પણ ત્યાં તંબુ તાણશે નહિ, કોઇ ભરવાડ ત્યાં ઘેટાબકરાંને પણ નહિ બેસાડે.
21 પણ ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરશે અને તેનાં ઘરો ઘુવડોથી ભરાઇ જશે; ત્યાં શાહમૃગનો વાસ થશે અને રાની બકરાં કૂદાકૂદ કરશે.
22 એનાં આલીશાન મકાનોમાં અને એનાં રંગમહેલોમાં વરુ અને શિયાળવાં ભૂંકતા રહેશે. એના દિવસો ભરાઇ ગયા છે, એનો સમય પૂરો થઇ ગયો છે.”