48
યહોવાના હાથમાં ભાવિ
1 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો.
તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો,
તમે યહૂદાના ફરજંદો છો:
તમે યહોવાના નામે સમ ખાઓ છો
અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો,
પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ.
2 “અને છતાં તમે પોતાને પવિત્ર નગરીના નાગરિક કહેવડાવો છો
અને જેનું નામ સૈન્યોના દેવ યહોવા છે
એવા ઇસ્રાએલના દેવ પર આધાર રાખો છો.”
3 યહોવા કહે છે, “ભૂતકાળના બનાવોની મેં અગાઉથી આગાહી કરી હતી,
મારે પોતાને મોઢે મેં એ જાહેર કર્યુ હતું,
અને પછી એકાએક મેં અમલ કર્યો અને એ સાચું પડ્યું.
4 મને ખબર હતી કે તમે હઠીલા હતા,
તારા ડોકના સ્નાયુઓ લોખંડ જેવા હતા,
અને તારું કપાળ પિત્તળ જેવું હતું.
5 તેથી મેં તમને લાંબા સમય પહેલાંથી
એ બધું કહી રાખ્યું હતું,
જેથી તમે એમ ન કહી શકો કે,
‘આ તો મારી મૂર્તિએ કર્યુ છે,
મારી કોતરેલી અને ઢાળેલી મૂર્તિઓના હુકમથી એ બન્યું છે.’ ”
ઇસ્રાએલને સ્વચ્છ કરવા માટે દેવ સજા કરે છે
6 “તમે મારા ભવિષ્યકથનો વિષે સાંભળ્યું છે
અને તેમને પરિપૂર્ણ થતાં પણ જોયા છે.
છતાં તેની સાથે સહમત થવાની તેં સંમત્તિ દર્શાવી નથી.
હવે હું તને નવી બાબતો વિષે કહું છું જે મેં અગાઉ કહ્યું નથી,
હું તને એક ગુપ્ત બાબત કહું છું જે તેં પહેલા સાંભળી નથી.
7 એ ઘટનાઓ પહેલાં બની નહોતી, અત્યારે જ મારી ઇચ્છાથી બને છે,
એને વિષે તમે અત્યાર સુધી કશું સાંભળ્યું નથી,
જેથી તમે એમ ન કહો કે, ‘અરે! આ તો અમે જાણતા હતા.’
8 હા, હું તને સંપૂર્ણ નવી બાબતો કહેવાનો છું,
કારણ કે હું સારી રીતે જાણું છું
કે તું દગાબાજ
અને બાળપણથી જ તું બંડખોર છે,
તું ષ્ટતાથી ભરેલો છે.
9 “મારા નામની માટે
મેં મારા ક્રોધને રોકી રાખ્યો હતો,
મારી પ્રતિષ્ઠાને માટે મેં સંયમ રાખ્યો હતો,
તમારો નાશ નહોતો કર્યો.
10 “મેં તને વિશુદ્ધ કર્યો,
પણ ચાંદી જેવો નહિ.
મેં તને મુશ્કેલીઓની ભઠ્ઠીમાં તાપ્યો.
11 કેવળ મારા પોતાના માટે, હા,
મારા પોતાના માટે, હું કાર્ય કરીશ, જેથી મારું નામ ષ્ટ થાય નહિ,
હું મારું ગૌરવ બીજા કોઇને આપીશ નહિ.”
12 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો,
મારા પસંદ કરેલા ઇસ્રાએલીઓ,
મને સાંભળો! હું જ દેવ છું.
હું જ આદી છું
અને હું જ અંત છું.
13 મેં મારે પોતાને હાથે આ પૃથ્વીનો પાયો નાખ્યો હતો,
અને આ આકાશને પાથર્યું હતું.
હું જ્યારે તેમને બોલાવું છું
ત્યારે તેઓ ઉભા થાય છે.
14 “તમે બધા એકઠા થાઓ અને સાંભળો,
તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું,
યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે.
બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે.
તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.
15 “મેં મારી જાતે જ આ આગાહી કરી હતી
અને કોરેશને હાંક મારીને બોલાવ્યો છે;
હું તેને અહીં લઇ આવ્યો છું અને તેને સફળ બનાવીશ.
16 મારી નજીક આવો, અને આ સાંભળો, શરુઆતથી જ
હું જાહેરમાં જે થવાનું છે તે સ્પષ્ટ શબ્દોમાં કહેતો આવ્યો છું
અને આ બધું બન્યું
તે બધો સમય હું હાજર હતો.”
અને હવે મારા માલિક યહોવાએ મને પોતાના આત્મા સાથે મોકલ્યો છે.
17 ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે,
“હું યહોવા તારો દેવ છું,
હું તારા હિત માટે તને શીખવું છું,
તારે જે માગેર્ જવું જોઇએ તે માગેર્ હું તને લઇ જાઉં છું.
18 તેં જો મારી આજ્ઞાઓ કાને ધરી હોત તો કેવું સારું થાત!
તારી સુખસમૃદ્ધિ સદા
સરિતા સમી વહેતી હોત
અને વિજય પામીને
તું સાગરના તરંગો જેમ ઊછળતો રહ્યો હોત.
19 તારી સંતતિની સંખ્યા રેતી જેટલી
અને તારા વંશજો તેના કણ જેટલા થયા હોત
અને તેમનાં નામ મારી નજર
આગળથી ભૂંસાઇ ગયા ન હોત.”
20 છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ.
ખાલદીઓ પાસેથી ભાગી જાઓ,
અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો,
ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી
એના સમાચાર મોકલો કે,
“યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.”
21 તેમણે તેઓને અરણ્યમાંથી દોર્યા ત્યારે તેઓને તરસ વેઠવી પડી નહોતી.
કારણ કે તેણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું હતું;
તેણે ખડકને તોડી નાખ્યો
અને પાણી ખળખળ કરતું વહેવા લાગ્યું.
22 પરંતુ યહોવા કહે છે,
“દુષ્ટોને કદી સુખશાંતિ હોતી નથી.”