અયૂબ
1
અયૂબની કસોટી
ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો. તેનો પરિવાર મોટો હતો. અયૂબને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ દશ સંતાન હતા. તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.
અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા. તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય.
એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો. યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં ગયો હતો?”
શેતાને યહોવાને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ ભટકતો હતો.”
પછી યહોવાએ શેતાનને કહ્યું, “તો પછી તેં મારા સેવક અયૂબને જોયો હશે! તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ વસ્તુનો ઇન્કાર કરનાર છે.”
શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે? 10 તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે. 11 એક વાર તેની સંપત્તિને સ્પર્શ કરો, પછી જુઓ, એ કેવો તમારી સામો થાય છે? તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ?”
12 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ,”
એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.
અયૂબનું બધું જતું રહ્યું
13 એક દિવસે તેના પુત્રો અને તેની પુત્રીઓ તેઓનો મોટા ભાઈના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતા હતા. તે સમયે, 14 એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા. 15 એટલામાં અચાનક શબાઇમ લોકોએ અમારા પર હુમલો કર્યો. અને તમારા બધા પશુઓને ઊપાડી ગયા અને બધા સેવકોને મારી નાંખ્યા, ફકત હું જ બચી ગયો છું તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.”
17 તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.”
18 જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ. 19 પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
20 પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી. 21 કહ્યું કે,
 
“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું
નગ્ન આવ્યો હતો
અને મારા મૃત્યુ સમયે
પણ મારી પાસે કશું જ નહિ હોય.
યહોવાએ આપ્યું,
અને યહોવાએ લઇ લીધું છે;
યહોવાના નામને ધન્ય હો.”
 
22 આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.