2
બોખીમમાં યહોવાનો દૂત
એક દિવસ યહોવાએ પોતાના દેવદૂતને ગિલ્ગાલથી બોખીમ મોકલ્યો અને ઈસ્રાએલીઓને કહ્યું, “મેં તમને મિસરમાંથી બહાર કાઢયા છે અને તમાંરા પિતૃઓને મેં વચન આપ્યું હતું તે પ્રમાંણે આ ભૂમિ તમને આપી છે, મેં તમને આપેલું વચન ક્યારેય તોડીશ નહિ, તેમ તમાંરે પણ આ દેશની પ્રજા સાથે કોઈ કરાર કરવો નહિ, તમાંરે તે લોકોની વેદીઓ તોડી પાડવી. પણ તમે માંરી આજ્ઞાનું પાલન કર્યું નથી, તમે લોકો આ શું કરી બેઠા છો?
“તમે માંરા કરારનો ભંગ કર્યો છે તેથી હું તમને કહું છું કે હવે હું આ લોકોને તમાંરી આગળથી હાંકી કાઢીશ નહિ, તેઓ તમાંરી કૂખોમાં કાંટાની જેમ ભોંકાશે અને તેઓના દેવો તમને સતત શત્રુઓની જેમ ફસાવશે.”
દેવદૂતે બધા ઈસ્રાએલીઓને આ શબ્દો સંભળાવ્યા એટલે તેઓ મોટે સાદે રડવા લાગ્યા: અને તે પરથી તે સ્થળનું નામ “બોખીમ”* પડયું. ત્યાં તેઓએ યહોવાને યજ્ઞો કર્યો.
યહોશુઆનું મૃત્યુ
યહોશુઆએ લોકોને તેમના ઘરે પાછા મોકલી દીધાં. તેથી સર્વ કુળસમૂહના ઈસ્રાએલી લોકો તેમના ઘરે પાછા ગયા અને પોતાની ભૂમિનો કબજો લીધો. જયારે યહોશુઆ જીવતા હતાં અને ઈસ્રાએલના વડીલો જેઓ યહોવાએ કરેલા મહાન કાર્યોના સાક્ષી હતાં, અને જેઓ યહોશુઆથી લાંબુ જીવ્યા હતાં, ત્યાં સુધી લોકો યહોવાની સેવા કરતા રહ્યાં. એકસો દસ વર્ષની ઉંમરે નૂનનો પુત્ર યહોશુઆ, યહોવાનો સેવક મૃત્યુ પામ્યો. તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલી ભૂમિમાં જે તિમ્નાથ હેરેસની જમીન તેના હિસ્સામાં આવી હતી ત્યાં દફનાવવામાં આવ્યો.
10 તેના પછી આ આખી પેઢી ગુજરી ગઈ. બીજી પેઢી આવી, તેને ન હતી યહોવાની ખબર કે ન હતી ઈસ્રાએલીઓ માંટે તેણે કરેલાં ઉમદા કાર્યોની ખબર. 11 તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. 12 યહોવાએ કરેલી મદદને કારણે તેઓ મિસરમાંથી બહાર આવી ગયા. પણ તેઓએ તેમના પિતૃઓને મદદ કરનાર દેવ યહોવાને છોડી દીધા અને તેમની આસપાસના દેવોની પૂજા કરવા લાગ્યા. અન્ય દેવોની પૂજા કરીને તેઓએ યહોવાને કોપ વધારી દીધો. 13 તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.
14 યહોવાનો પ્રકોપ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેમને લૂંટતા રહ્યાં; તેણે તેમને આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઈસ્રાએલીઓ તેમની સામે ટકી શક્યા નહિ, 15 ઈસ્રાએલી લોકો પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરવા જતા ત્યારે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ રહેતો, યહોવાએ તે લોકોને ચેતવણી આપી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે આ પ્રમાંણે કરશે. પરિણામે ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.
16 ત્યારબાદ યહોવાએ ઈસ્રાએલીઓ ઉપર ન્યાયાધીશો નીમ્યા. અને તેઓએ તેમને શત્રુઓના હાથમાંથી ઉગારી લીધા. 17 પણ તેમણે તે ન્યાયાધીશોનું પણ સાંભળ્યું નહી. તેઓ દેવ પ્રત્યેની વફાદારી છોડી દઈને અન્ય દેવદેવીઓને માંનવા લાગ્યા અને એમની પૂજા કરવા લાગ્યા. તેમના પિતૃઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે રહેતા હતાં, પણ આ લોકોને આ ગમ્યું નહિ અને તેઓએ યહોવાના હુકમો માંનવાનું બંધ કરી દીધું.
18 જયારે જયારે યહોવા તેમના ઉપર કોઈ ન્યાયાધીશ નીમતા ત્યારે તેઓ તેની સાથે રહેતા, તેણે તેઓની કાળજી લીધી અને તેમનું તેમના શત્રુઓથી રક્ષણ કર્યુ. તેણે તેઓની ઉપર દયા બતાવવા આમ કર્યુ કારણકે તેઓના શત્રુઓ દ્વારા તેમના ઉપર જુલમો અને અત્યાચારો થયાં હતાં. 19 ન્યાયાધીશના અવસાન પછી તેઓ યહોવાથી દૂર ફરી ગયા અને પોતાના પિતૃઓથી પણ વધારે ભ્રષ્ટ થઈ ગયાં, તેઓ અન્ય દેવની પૂજા કરતાં, તેમને પગે લાગતા; તેઓએ પોતાના દુષ્ટ માંર્ગોથી પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો.
20 આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી. 21 તેથી યહોશુઆ મૃત્યુ પામ્યા તે વખતે જે જે પ્રજાઓ જીતવાની બાકી હતી તેઓને હવે હું હાંકી કાઢીશ નહિ. 22 અને એ રીતે, ઈસ્રાએલીઓ પોતાના પિતૃઓના પગલાને અનુસરશે કે નહિ, તેની હું કસોટી કરીશ.” 23 તેથી યહોવાએ એ પ્રજાઓને પોતાની ભૂમિમાંથી હાંકી કાઢયા વિના તેમને ત્યાં રહેવા દીધાં. તેણે તેમને યહોશુઆના હાથમાં પણ સોંપી દીધા નહોતા, અને તેણે ઈસ્રાએલીઓને તેઓનો નાશ કરવા દીધો નહિ.
* 2:5 બોખીમ રૂદનની જગ્યા.