4
એલિશાએ પ્રબોધકની વિધવાને મદદ કરી
હવે પ્રબોધકોના સંઘના એક પ્રબોધકની પત્નીએ એલિશાને કહ્યું, “આપનો સેવક માંરો પતિ મરી ગયો છે, આપ જાણો છો કે, તે યહોવાથી ડરીને ચાલતો હતો, હવે એક લેણદાર આવ્યો છે અને તે માંરા બે પુત્રોને લઈ જઈ ગુલામ બનાવવા માંગે છે.”
એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને એ કહે કે, તારી પાસે ઘરમાં શું છે?”
તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, એ સિવાય બીજું કશું જ નથી.”
એટલે એલિશાએ કહ્યું, “તો બહાર જઈને તારા બધા આડોશી-પાડોશી પાસેથી ખાલી વાસણો અને બરણીઓ માંગી લાવ. પછી પાછી આવીને તું તારાં બાળકો સાથે અંદર જઈને બારણાં વાસી દેજે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં અને બરણીમાં રેડવા માંડજે અને જેમ જેમ ભરાઈ જાય તેમ તેમ બરણીઓ બાજુએ મૂકતી જજે.”
પેલી સ્રીએ ત્યાંથી જઈને બાળકો સાથે ઘરમાં જઈ બારણાં વાસી દીધાં, બાળકો જેમ જેમ તેને બરણીઓ આપતાં ગયાં તેમ તેમ તે તેમાં તેલ રેડતી ગઈ. જયારે બધી બરણીઓ ભરાઈ ગઈ ત્યારે તેણે બાળકોને કહ્યું, “મને બીજી બરણી આપ.”
ત્યારે તેણે કહ્યું, “હવે બરણી રહી નથી.” એટલે તેલ વહેતું બંધ થઈ ગયું!
પછી સ્રીએ જઈને દેવના માંણસને આ વાત જણાવી એટલે દેવના માંણસે તેને કહ્યું, “તું જઈને એ તેલ વેચીને તારું દેવું ભરપાઈ કરી દેજે, અને જે નાણાં બાકી રહે તે તારા બાળકો માંટે રાખી લેજે.”
એલિશાને ખંડ આપતી શૂનેમની સ્ત્રી
એક દિવસ એવું બન્યું કે એલિશા શૂનેમ ગયો હતો. ત્યાં એક ધનવાન સ્રીએ તેને રહેવા અને જમવા માંટે આમંત્રિત કર્યો; આથી તે જયારે જયારે એ બાજુ આવતો, ત્યારે ત્યારે ત્યાં રોકાતો અને જમતો.
એ સ્રીએ એક વાર પોતાના પતિને કહ્યું, “મને ખાતરી છે કે જે માંણસ હંમેશા આપણે ત્યાં આવે છે તે દેવનો માંણસ હોવો જોઈએ. 10 તો આપણે એને માંટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પથારી, એક મેજ, એક ખુરસી અને એક દીવાની વ્યવસ્થા કરીએ, તેથી એ જયારે અહીં આવે ત્યારે અહીં આ ઓરડીમાં રહી શકે.”
11 એક દિવસ એલિશા ત્યાં આવ્યો. ત્યારે તે ઉપરની ઓરડીમાં જઈને આરામ કરવા પથારીમાં સૂતો, 12 તેણે પોતાના નોકર ગેહઝીનને કહ્યું, “માંરે એ સ્રીની સાથે વાત કરવી છે માંટે તું તેની પત્નીને બોલાવ.”
નોકરે બોલાવી એટલે તે આવીને દેવના માંણસ સામે ઊભી રહી. 13 દેવના માંણસે નોકરને કહ્યું, “તું એને એમ કહે કે, ‘તેં અમાંરા માંટે આટલી બધી તકલીફ ઉઠાવી છે તો અમે તારા માંટે શું કરીએ? રાજા કે લશ્કરના સેનાપતિ તારું ધ્યાન રાખે કે તને બીજી કોઇ મદદ જોઇએ છે?’ ”
પણ તે સ્રીએ જવાબ આપ્યો, “હું માંરા પોતાના માંણસો વચ્ચે રહું છું અને હું સુખી છું.”
14 થોડીવાર પછી દેવના માંણસે નોકર ગેહઝીનને પૂછયું, “આપણે તેને માંટે શું કરી શકીએ?”
ગેહઝીએ જવાબા આપ્યો, “એક વાત છે કે તેની પાસે પુત્ર નથી અને એનો પતિ ઘરડો છે.”
15 એલિશાએ કહ્યું, “એને પાછી બોલાવ.”
નોકરે તેને બૂમ પાડી અને તે બારણામાં આવીને ઊભી રહી. 16 એટલે દેવના માંણસે કહ્યું, “આવતે વષેર્ આ વખતે તારા ખોળામાં બાળક હશે.”
પણ તેણે કહ્યું, “ના, દેવભકત! આપ દેવના ભકત છો! આ દાસીને છેતરશો નહિ.”
શૂનેમની સ્ત્રીને પુત્ર થયો
17 પણ એ સ્ત્રીને ગર્ભ રહ્યો જ, અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાંણે, તે વખતે પુત્ર અવતર્યો.
18 પછી તે બાળક મોટો થયો, એક દિવસ એના પિતા ખેતરમાં લણનારાઓ સાથે કામ કરતા હતા, ત્યાં તેમની મુલાકાતે ગયો. 19 એકાએક માંથું દુ:ખતા તેણે તેના પિતાને ફરિયાદ કરી,
તેથી તેના પિતાએ પોતાના એક નોકરને કહ્યું, “તું છોકરાને તેની માંતા પાસે ઘેર લઈ જા.”
20 તેથી તે છોકરાને ઘેર લઈ ગયો, તે (છોકરો) તેની માંતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મૃત્યુ પામ્યો.
શૂનેમની સ્ત્રી એલિશાને મળવા જાય છે
21 પછી તે સ્રીએ પોતાના પુત્રના મૃતદેહને ઉપાડીને દેવના માંણસના ઓરડામાં લાવીને તેની પથારીમાં સૂવડાવી દીધો અને પછી તેણી બારણું વાસી ને બહાર ચાલી ગઈ. 22 પછી તેણે પોતાના પતિને કહ્યું, “મને એક ગધેડો અને એક નોકર મોકલી આપો, કારણ કે હું જલ્દીથી દેવના માંણસ પાસે જઇ શકું અને પાછી આવી શકું.”
23 તેના પતિએ પૂછયું, “આજે કેમ? આજે નથી અમાંવાસ્યા કે નથી વિશ્રામવાર.”
પણ સ્રીએ જવાબ આપ્યો, “બધું સારું થશે, સૌ સારા વાનાં થશે.”
24 ગધેડા પર જીન નંખાવીને તેણે નોકરને કહ્યું, “ઉતાવળ કરજે, અને સિવાય કે હું તને કહું ધીમો પડતો નહિ.”
25 આમ, તે નીકળી પડી અને કામેર્લ પર્વત પર આવી ત્યારે એલિશાએ તેને દૂરથી જોઈને ગેહઝીનને કહ્યું, “જો શૂનેમથી પેલી સ્ત્રીઆવી રહી છે. 26 દોડતો જા, તેને મળ અને પૂછ કે, તું કુશળ તો છે ને? તારો પતિ કુશળ છે ને? તારો પુત્ર કુશળ તો છે ને?”
તે સ્રીએ જવાબ આપ્યો, “હા.”
27 તે ટેકરી પર દેવભકત એલિશાના પગમાં પડી, તેને દૂર કરવા ગેહઝીન આગળ આવ્યો પણ એલિશાએ કહ્યું, “એ છો રહેતી, એના માંથે ભારે દુ:ખ છે, અને યહોવાએ એ વાત માંરાથી છુપાવી છે, મને કહ્યું નથી.”
28 તે સ્ત્રી બોલી, “માંરા મુરબ્બી! મેં આપની પાસે પુત્ર માંગ્યો હતો? મેં એમ નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”
29 એલિશાએ કહ્યું, “ગેહઝીન, કમર કસ, માંરી લાકડી લે અને દોડતો જા, રસ્તે કોઈ મળે તો તેને પ્રણામ કરવા પણ રોકાઈશ નહિ, માંરી લાકડી તે બાળકના મોંઢા પર મૂકજે.”
30 પણ છોકરાની માંતાએ કહ્યું, “યહોવાના સમ, તમાંરા સમ; હું આપને છોડવાની નથી.”
આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.
31 ગેહઝીને તે લોકો કરતાં વહેલાં પહોંચી જઈને લાકડી છોકરાના મોં પર મૂકી, પણ જીવનાં કોઈ લક્ષણ જણાયાં નહિ, આથી તેણે પાછા જઈ એલિશાને જણાવ્યું કે, “છોકરો, હજુ જાગ્યો નથી.”
પુર્નજીવિત થતો શૂનેમી સ્ત્રીનો પુત્ર
32 એલિશા પછી ઘરમાં દાખલ થયો અને ત્યા તેની પથારીમાં મરેલો છોકરો પડેલો હતો. 33 તેણે ઓરડામાં જઈને બારણાં વાસી દીધાં. તે બે જણ અંદર રહ્યા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરી. 34 ત્યાર પછી તે પલંગ પર ચઢીને છોકરાની પર લાંબો થયો તેણે પોતાનું મોઢું છોકરાના મોઢાં પર, આંખ છોકરાની આંખ પર અને હાથ છોકરાના હાથની પર એટલે છોકરાના શરીરમાં ગરમાંવો આવ્યો.
35 પછી એલિશા ઊભો થયો અને ઓરડામાં આંટા માંરી ફરી છોકરા પર સૂઇ ગયો. પછી છોકરાને સાત વખત છીંક આવી અને પોતાની આંખો ઉઘાડી.
36 પછી પ્રબોધકે ગેહઝીનને બૂમ પાડી અને કહ્યું, “શૂનેમની સ્ત્રીને બોલાવ.”
એટલે તેણે તેણીને બોલાવી. તે આવી એટલે એલિશાએ તેને કહ્યું, “લે આ તારો પુત્ર.”
37 તે સ્રીએ અંદર જઈને જમીન પર લાંબા થઈને તેમને પ્રણામ કર્યા.અને પછી પોતાના બાળકને લઈને બહાર ચાલી ગઈ.
ઝેરી શાક અને એલિશા
38 એલિશા ગિલ્ગાલ પાછો ફર્યો. તે સમયે ત્યાં મોંધવારી હતી. એક દિવસ જ્યારે પ્રબોધકોનો સમૂહ તેની પાસે બેઠા હતા; ત્યારે તેણે પોતાના નોકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના સમૂહ માંટે માંસની વાનગી રાંધવા માંટે મૂકો.”
39 એક જણ ખેતરમાં શાકપાંદડું ભેગા કરવા ગયો ત્યાં તેણે એક જંગલી વેલામાંથી તેના ગોળ નાના ફળ તોડીને માંસની વાનગી રંધાતી હતી તેમાં નાખ્યાં. પણ તેઓ આને ઓળખતા નહોતા.
40 પછી તેમણે માંણસોને આવીને ખાવા માંટે બોલાવ્યા જેવી તેમણે માંસની વાનગી ચાખી, તેઓ બોલી ઊઠયાં, “દેવના માંણસ, આ તપેલામાં તો મોંત ભર્યું છે!” અને તેઓ તે ખાઈ શકયાં નહિ.
41 ત્યારે એલિશાએ કહ્યું, “તો થોડોલોટ લાવો.” એ લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે માંણસોને પીરસી દો.”
અને આ વખતે તપેલામાં કંઈ વાંધો નહોતો.
પ્રબોધકોને પોષતો એલિશા
42 બઆલ-શાલીશાહથી એક માંણસ એલિશા પાસે, પહેલા પાકના જવમાંથી બનાવેલા વીસ રોટલા અને ભરેલાં દાણાવાળાં તાજાં કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને તે ખાવા આપી દો.”
43 પણ તેના નોકરે કહ્યું, “સો માંણસોને હું આ શી રીતે પીરસું?”
છતાં એલિશાએ કહ્યું, “તું તારે લોકોને પીરસી દે. આ યહોવાનાં વચન છે; ‘એ લોકો ખાઈ રહેશે અને વધશે પણ ખરું.’ ”
44 તેણે લોકોને પીરસી દીધું અને તેઓ ખાઈ રહ્યા અને યહોવાના કહેવા મુજબ વધ્યું પણ ખરું.