8
એઝરા દ્વારા નિયમશાસ્રનું વાચન
1 બધા લોકો પાણી દરવાજાના સામેના મેદાનમાં ભેગા થયા અને તેમણે લહિયા એઝરાને, યહોવાએ ઇસ્રાએલને જે નિયમશાસ્ત્ર ફરમાવ્યુ હતું તે પુસ્તક લાવવા માટે પૂછયું.
2 અને તેથી સાતમાં મહિનાનાં પહેલા દિવસે યાજક એઝરા, સ્ત્રીઓ અને પુરુષો તેમજ સમજણાં થયેલાં બાળકોની સભા સમક્ષ નિયમશાસ્ત્ર લઇ આવ્યો. જેઓ સાંભળીને સમજી શકતા હતાં.
3 અને પાણીના દરવાજા સામેના ચોક આગળ તે ઊભો રહ્યો અને પરોઢથી તે બપોર સુધી તેણે સ્ત્રી, પુરુષો અને તેઓ જે સમજી શકે તેમની સમક્ષ તે નિયમોનું વાચન કર્યુ. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતા હતા.
4 આ માટે ઊભા કરેલા લાકડાના મંચ પર લહિયો એઝરા ઊભો હતો, તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા ઊરિયા, હિલ્કિયા, અને માઅસેયા; અને તેની ડાબી બાજુએ પદાયા મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદાનાહ, ઝખાર્યા, અને મશુલ્લામ ઊભા હતા.
5 એઝરા બધા કરતાં ઊંચે ઉભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતાં તે નિયમશાસ્ત્ર ઊઘાડ્યું; તેને ઉઘાડતો જોતાં જ તેઓ બધા ઊભા થઇ ગયા.
6 ત્યારબાદ એઝરાએ મહાન દેવ યહોવાને ધન્યવાદ આપ્યા. સર્વ લોકોએ કહ્યું, “આમીન આમીન” અને પોતાના હાથ આકાશ તરફ ઊંચા કર્યા અને ભૂમિ સુધી નીચે નમીને પોતાના મુખ ભૂમિ તરફ રાખીને યહોવાનું ભજન કર્યું.
7 યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન અને પલાયાએ એમ બધા લેવીઓએ પોતપોતની જગ્યાએ ઊભેલા કુળસમૂહોને નિયમશાસ્ત્રની સમજણ આપી.
8 તેમણે દેવના નિયમશાસ્ત્રમાંથી વાંચ્યુ, અને જે વાંચ્યુ તેનો અર્થ સ્પષ્ટ કરીને સમજાવ્યો જેથી લોકો સમજી શકે.
9 નિયમશાસ્ત્રનાં વચનો સાંભળતા સાંભળતા એ લોકો રડતાં હતાં તેથી પ્રશાસક નહેમ્યાએ એઝરા જે યાજક અને લહિયો હતો તથા લોકોને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યુ કે, “આ દિવસ તમારા દેવ યહોવાને માટે પવિત્ર છે, માટે શોક કરતાં હોય તેવી રીતે વર્તવું નહિ પરંતુ બધાં લોકો જેમણે નિયમશાસ્રના વચનો સાંભળ્યાં તે બધાં લોકો રડ્યાં.”
10 પછી તેણે તેમને કહ્યુ કે, “હવે આગળ વધો, સારું સ્વાદિષ્ટ ભોજલ ખાઓ, પીઓ અને જેઓની સ્થિતિ ન હોય તેમને સૌને માટે મિષ્ટાન મોકતવામાં આવ્યા, કારણ, આજ્નો દિવસ આપણા યહોવાનો પવિત્ર દિવસ છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાનો આનંદ એ જ તમારું બળ છે.”
11 “છાના રહો, કારણકે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ, એમ કહીને લેવીઓએ સર્વ લોકોને શાંત પાડ્યાં.”
12 આથી બધાં લોકોએ જઇને ખાધુંપીધું, બીજાઓને તેમના હિસ્સા મોકલ્યા અને તેઓ ઘણાં જ આનંદમાં હતા. કારણ તેમને જે શાસ્ત્રવચનો વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.
13 બીજે દિવસે સમગ્ર પ્રજાના કુટુંબના આગેવાનો, યાજકો અને લેવીઓ સાથે નિયમશાસ્રના શબ્દનો અભ્યાસ કરવા શાસ્રી એઝરા સમક્ષ ભેગા થયા.
14 પછી તેઓને ખબર પડી કે નિયમમાં એવું લખેલુ છે કે યહોવાએ મૂસા મારફતે એવી આજ્ઞા જણાવી હતી કે સાતમા મહિનાનાં ઉત્સવ દરમ્યાન ઇસ્રાએલીઓએ કામચલાઉ માંડવાઓમાં રહેવું જોઇએ;
15 એટલે તેમણે યરૂશાલેમમાં અને બીજા બધાં શહેરોમાં ઢંઢેરો પિટાવીને એવું જાહેર કરવું કે, “ડુંગરો પર જાઓ અને નિયમમાં લખ્યા પ્રમાણે કામચલાઉ માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની અને ખજૂરીની તેમજ બીજા ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઇ આવો.”
16 એ સાંભળીને લોકો જઇને તે પ્રમાણે લઇ આવ્યા, ને તેઓમાંના દરેક પોતાના ઘરના ધાબા પર, પોતાનાં આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં કામચલાઉ માંડવાઓ બાંધવા માટે તેનો ઉપયોગ કર્યો.
17 જેઓ બંદીવાસમાંથી પાછા આવ્યા હતા તેમણે બધાએ કામચલાઉ માંડવાઓ બાંધીને તેમાં વાસ કર્યો. નૂનના પુત્ર યહોશુઆના દિવસોથી માંડીને આજપર્યત ઇસ્રાએલીઓએ કદી આવું કર્યુ નહોતું.
18 સાત દિવસોના આ પર્વના પ્રત્યેક દિવસે તેણે દેવના નિયમશાસ્રમાંથી વાંચન કર્યુ અને તેઓએ સાત દિવસ ઉત્સવ રાખ્યો અને આઠમા દિવસે પૂર્ણાહુતિ સભા હતી જેવી રીતે નિયમમાં જણાવ્યું છે તેમ.