14
દાઉદને ઘેર યરૂશાલેમમાં બાળકો જન્મ્યાં
1 તૂરના રાજા હીરામે દાઉદ પાસે એલચીઓ મોકલ્યાં અને તેમની સાથે મહેલ બાંધવા માટે ગંધતરુનું લાકડું, કડીયાઓ અને સુથારો મોકલી આપ્યા.
2 હવે દાઉદને ખાતરી થઇ ગઇ કે, યહોવાએ તેને ઇસ્રાએલના રાજા તરીકે સ્થાપ્યો છે અને પોતાના ઇસ્રાએલી લોકો માટે થઇને તેના રાજ્યને મહાન બનાવે છે.
3 યરૂશાલેમમાં દાઉદે વધારે પત્નીઓ કરી અને તેને વધુ પુત્રપુત્રી જન્મ્યાં.
4 તેને યરૂશાલેમમાં થયેલા બાળકોનાં નામ આ પ્રમાણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
5 યિબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
6 નોગાહ, નેફેગ, યાફીઆ,
7 અલીશામા, બએલ્યાદા અને અલીફેલેટ.
પલિસ્તીઓને હરાવતો દાઉદ
8 જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે હવે દાઉદનો સમગ્ર ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ભેગા મળીને તેની શોધમાં નીકળી પડ્યા. દાઉદે જ્યારે આ વિષે સાંભળ્યું ત્યારે તે તેમનો સામનો કરવા નીકળી પડ્યો.
9 પલિસ્તીઓએ આવીને રફાઇમની ખીણમાં જમાવટ કરી.
10 દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?”
યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.”
11 આથી દાઉદે બઆલ-પરાસીમ આગળ તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેવી રીતે પાણી ભંગાણ પાડે તેમ દેવે મારા દુશ્મનોમાં ભંગાણ પાડ્યું છે” તેથી તે જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું.
12 પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પાછળ મૂકીને ચાલ્યા ગયા હતા, દાઉદની આજ્ઞાથી તે બધી મૂર્તિઓ બાળી નાખવામાં આવી.
પલિસ્તીઓ પર ફરી વિજય
13 પલિસ્તીઓએ ફરી ખીણમાં જમાવટ કરી.
14 દાઉદે ફરીથી દેવની સલાહ લીધી અને દેવે જવાબ આપ્યો, “આગળથી તેમની પર હુમલો કરીશ નહિ, પરંતુ ફરીને તેમની પાછળ જઇ મેંદીના છોડ નજીક હુમલો કરજે.
15 જ્યારે તું છોડને મથાળે પગરવ જેવો અવાજ સાંભળે ત્યારે તું હુમલો કરજે, કારણ, એ દેવ તારી આગળ પલિસ્તીઓની સૈનાને હરાવવા માટે નીકળી પડ્યો હશે.”
16 દાઉદે દેવની સલાહ પ્રમાણે કર્યુ અને તેણે ગિબયોનથી ઠેઠ ગેઝેર સુધી પલિસ્તીઓના લશ્કરને હાંકી કાઠયુ.
17 દાઉદની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઇ અને યહોવાએ બધી પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.