19
પાઉલ એફેસસમાં
1 એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.
2 તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’ ”
3 પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’ ”
4 ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’ ”
5 તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
6 જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
7 તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
8 પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
9 પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.
10 બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.
સ્કેવાના સાત દીકરા
11 ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,
12 તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.
13 પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’ ”
14 સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.
15 પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’
16 જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યો કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.
17 એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.
18 વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.
19 ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
20 એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.
એફેસસમાં હુલ્લડ
21 એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’ ”
22 તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
23 તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.
24 દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,
25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.
26 અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;
27 તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.
28 એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’
29 આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.
30 જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
31 આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.
32 તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.
33 તેઓ (યહૂદીઓ) આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.
34 પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’
35 ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
36 એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.
37 કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.
38 માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.
39 પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
40 કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
41 તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.