5
મંડળીમાં વ્યભિચારી સામે પગલાં
મારા સાંભળવામાં આવ્યું એવું છે કે તમારામાં વ્યભિચાર વ્યાપેલો છે, અને તે પણ એવો કે જે બિનયહૂદીને પણ ચાલતો નથી; એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે. એમ છતાં એ બાબતો વિષે શરમિંદા થવાને બદલે તમે છાતીકાઢીને ચાલો છો! જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.
કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું. કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામે, તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.
તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી; શું તમે એ જાણતા નથી, કે થોડું ખમીર આખા લોટને ફુલાવે છે? તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે. એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ.
મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો; 10 પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.
11 પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ. 12 કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ? 13 પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.