24
છૂટાછેડા અને પુનર્લગ્ન
1 જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા ના પ્રમાણ પત્ર લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે.
2 અને જયારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે.
3 જો તેનો બીજો પતિ પણ તેને ધિક્કારે અને છૂટાછેડાના પ્રમાણ પત્ર લખી તેના હાથમાં મૂકે, તેના ઘરમાંથી તેને કાઢી મૂકે; અથવા જે બીજા પતિએ તેને પત્ની તરીકે લીધી હતી તે જો મૃત્યુ પામે,
4 ત્યારે તેનો પહેલો પતિ, જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી, તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે; કેમ કે, યહોવાહની દૃષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવાહ તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ.
બીજા કેટલાક નિયમો
5 જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.
6 કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.
7 જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.
8 કુષ્ઠ રોગ વિષે તમે સાવધ રહો, કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો જેમ મેં તમને આજ્ઞા આપી તે પ્રમાણે તમે કરો.
9 મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.
10 જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ.
11 તમે બહાર ઊભો રહો, જે માણસે તમારી પાસેથી ઉધાર લીધું હશે તે ગીરે મૂકેલી વસ્તુને તમારી પાસે બહાર લાવે.
12 જો કોઈ માણસ ગરીબ હોય તો તેની ગીરેવે મૂકેલી વસ્તુ લઈને તમે ઊંઘી જશો નહિ.
13 સૂર્ય આથમતાં પહેલાં તમારે તેની ગીરે મૂકેલી વસ્તુ પાછી આપી દેવી, કે જેથી તે તેનો ઝભ્ભો પહેરીને સૂએ અને તમને આશીર્વાદ આપે; યહોવાહ તમારા ઈશ્વરની આગળ તે તારું ન્યાયીપણું ગણાશે.
14 તમારા ઇઝરાયલી સાથીદાર સાથે કે તમારા દેશમાં તમારા ગામોમાં રહેનાર પરદેશીમાંના કોઈ ગરીબ કે દરિદ્રી ચાકર પર તમે જુલમ ન કરો;
15 દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો; સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાહને પોકાર કરે નહિ અને તમે દોષિત ઠરો નહિ.
16 સંતાનોનાં પાપને કારણે તેઓનાં માતાપિતા માંર્યા જાય નહિ, માતાપિતાઓનાં પાપને કારણે સંતાનો માંર્યા જાય નહિ. પણ દરેક પોતાના પાપને કારણે માર્યો જાય.
17 પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો, કે વિધવાનાં વસ્રો કદી ગીરે ન લો.
18 તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
19 જયારે તમે ખેતરમાં વાવણી કરો, ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહિ, તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી યહોવાહ તમારા ઈશ્વર તમને તમારા હાથનાં સર્વ કામમાં આશીર્વાદ આપે.
20 જયારે તમે જૈતૂનનાં વૃક્ષને ઝૂડો ત્યારે ફરીથી ડાળીઓ પર ફરો નહિ; તેના પર રહેલા ફળ પરદેશીઓ, વિધવાઓ અને અનાથો માટે રહે.
21 જયારે તમે તમારી દ્રાક્ષવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો.
22 યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.