નિર્ગમન
લેખક
પારંપારિક રીતે મૂસાને લેખક ગણવામાં આવે છે. કેમ મૂસાને બેશક આ પુસ્તકના ઈશ્વરપ્રેરિત લેખક તરીકે સ્વીકારી શકાય તેના બે સંગીન કારણો છે. પ્રથમ, નિર્ગમનનું પુસ્તક પોતે મૂસાની લેખન પ્રવૃત્તિ વિષે જણાવે છે. નિર્ગમન 34:27 માં ઈશ્વર મૂસાને “આ શબ્દો લખવા” કહે છે. બીજો શાસ્ત્રભાગ જણાવે છે કે ઈશ્વરની આજ્ઞાને પાળતા “મૂસાએ પ્રભુના બધા જ વચનો લખ્યા” (24:4). તે અનુમાન લગાવવું વાજબી છે કે આ કલમો મૂસાના લખાણનો ઉલ્લેખ કરે છે કે જે નિર્ગમનના પુસ્તકમાં જોવા મળે છે. બીજું, નિર્ગમનના પુસ્તકમાં દર્શાવેલ ઘટનાઓને મૂસાએ જોઈ હતી અથવા તો પછી તેણે તેઓમાં ભાગ લીધો હતો. તેને ફારૂનના પરિવારમાં શિક્ષણ અપાયું હતું અને લેખનકાર્ય માટે તે લાયકાત ધરાવતો હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.
તેઓના અવિશ્વાસુપણાને કારણે આ સમય અગાઉના 40 વર્ષો ઇઝરાયલે અરણ્યમાં ભટકવામાં કાઢ્યા હતા. આ પુસ્તક લખવાનો આ સૌથી સંભવિત સમય છે.
વાંચકવર્ગ
આ પુસ્તકનો વાંચકવર્ગ નિર્ગમન સમયે છુટકારો પામેલી પેઢી હોવો જોઈએ. મૂસાએ નિર્ગમનનું પુસ્તક સિનાઈના સમુદાય માટે લખ્યું કે જેમને તે મિસરમાંથી બહાર દોરી લાવ્યો હતો. (નિર્ગમન 17:14; 24:4; 34:27-28).
હેતુ
નિર્ગમન કેવી રીતે ઇઝરાયલીઓ યહોવાહની પ્રજા બન્યા તેને વર્ણનાત્મક રૂપમાં પ્રગટ કરે છે અને લોકોએ ઈશ્વરની પ્રજા તરીકે જેના દ્વારા જીવવાનું હતું તે કરારની શરતો પ્રસ્તુત કરે છે. નિર્ગમન વિશ્વાસુ, સમર્થ, બચાવનાર અને પવિત્ર ઈશ્વરનું ચારિત્ર્ય પ્રગટ કરે છે કે જેમણે ઇઝરાયલ સાથે કરાર સ્થાપિત કર્યો હતો. ઈશ્વરનું ચારિત્ર્ય તેમના નામ અને કાર્યો એમ બંને દ્વારા પ્રગટ કરાયું છે. જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને મિસરની ગુલામગીરીમાંથી છોડાવ્યા ત્યારે, કેવી રીતે ઈશ્વરનું ઇબ્રાહિમને આપેલું વચન (ઉ 15:12-16) પરિપૂર્ણ થયું હતું તે બતાવે છે. તે તો એક એવા કુટુંબની વાર્તા છે કે જે પસંદ કરાયેલું રાષ્ટ્ર બન્યું (નિર્ગમન 2:24; 6:5; 12:37). મિસરમાંથી બહાર નીકળેલા હિબ્રૂઓની સંખ્યા 20 થી 30 લાખ હોવી જોઈએ.
મુદ્રાલેખ
છુટકારો
રૂપરેખા
1. પ્રસ્તાવના — 1:1-2:25
2. ઇઝરાયલનો છુટકારો — 3:1-18:27
3. સિનાઈ પર્વત પર અપાયેલ કરાર — 19:1-24:18
4. ઈશ્વરનો રાજવી મંડપ — 25:1-31:18
5. બળવાને પરિણામે ઈશ્વરથી જુદાઇ — 32:1-34:35
6. ઈશ્વરના મંડપની રાજવી સ્થાપના — 35:1-40:38
1
મિસરમાં ઇઝરાયલ પ્રજા પર જુલમ
ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે: રુબેન, શિમયોન, લેવી અને યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન, દાન, નફતાલી, ગાદ અને આશેર. યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર જણા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.
કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં. પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.
પછી મિસરમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, તેને યૂસફ વિષે કશી જાણકારી ન હતી. તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “આ ઇઝરાયલીઓને જુઓ; તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે. 10 માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિ તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે.”
11 તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં. 12 પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા.
13 મિસરના લોકોએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. 14 તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું. 15 મિસરમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તેઓને મિસરના રાજાએ કડક આદેશ આપ્યો, 16 “જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માટે ખાટલા પાસે જાઓ ત્યારે જો તેઓને છોકરા જન્મે તો તેઓને મારી નાખવા. પણ જો છોકરી જન્મે તો તમારે તેઓને જીવતી રહેવા દેવી.” 17 પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા.
18 એ જાણીને મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માટે કર્યું? મારી આજ્ઞા કેમ ઉથાપી? નરબાળકોને કેમ જીવતા રહેવા દીધા?” 19 ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે.”
20 તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી. 21 આમ ઇઝરાયલ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી. દાયણો ઈશ્વરથી ડરીને ચાલતી હતી એટલે ઈશ્વરે તેઓને સંતાનોનાં કૃપાદાન આપ્યાં. 22 પછી ફારુને પોતાના બધા લોકોને ફરમાન કર્યું કે, “નવા જન્મેલા બધા જ હિબ્રૂ છોકરાને નીલ નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓ ભલે જીવતી રહે.”