38
અર્પણો બાળવા માટેની યજ્ઞવેદી બનાવી
નિર્ગ. 27:1-8
તેણે બાવળના લાકડામાંથી દહનીયાર્પણની વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી. તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું. તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં.
તેણે વેદીની માટે તેની ધારની નીચે આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી. તેણે પિત્તળની જાળીના ચાર છેડાને સારુ દાંડા રાખવાને માટે ચાર કડાં બનાવ્યાં.
બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા. વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.
પિત્તળનો હોજ બનાવ્યો
નિર્ગ. 30:18
તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.
આંગણનું નિર્માણ
નિર્ગ. 27:9-19
તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી. 10 આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.
11 ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા. 12 આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
13 આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા. 14 પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી. 15 બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી. 16 આગણાંની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા શણના હતા.
17 સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં અને તેઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતા. આંગણાના સર્વ સ્તંભ ચાંદીથી મઢેલા હતા. 18 આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો. 19 તેઓના ચાર સ્તંભ તથા તેઓની પિત્તળની ચાર કૂંભીઓ હતાં. તેઓના આંકડા ચાંદીના તથા તેઓના મથાળાં તથા સળિયા ચાંદીથી મઢેલાં હતાં. 20 પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખીલીઓ પિત્તળની બનાવેલી હતી.
મુલાકાતમંડપના સાધનો
21 મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઈથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે. 22 જે વિષે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલે બનાવ્યું. 23 તેને મદદ કરનાર દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબ કોતરકામ કરનાર, નકશી કોતરનાર તથા બાહોશ કારીગર અને ભૂરા, જાંબુડા, કિરમજી ઊન તેમ જ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
24 જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે સઘળું ઓગણત્રીસ તાલંત સાતસો ત્રીસ શેકેલ* પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું. 25 વસ્તીગણતરીની નોંધણી વખતે સમુદાય પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત અને એક હજાર સાતસો પંચોતેર તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું. 26 વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.
27 પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી. 28 બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં. 29 અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ હતું.
30 આ પિત્તળનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, પિત્તળની વેદી, તેની પિત્તળની જાળી, વેદીના સર્વ સાધનો, 31 આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.
* 38:24 1 શેકેલ 19.5 ગ્રામ, 1 તાલંત 35 કિલોગ્રામ