39
યૂસફ અને પોટીફારની પત્ની
1 યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો.
2 ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો.
3 તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે.
4 તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.
5 તેણે તેના ઘરનો તથા તેની સર્વ મિલકતનો કારભારી તેને ઠરાવ્યો, ત્યાર પછીથી ઈશ્વરે યૂસફને લીધે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર ઈશ્વરનો આશીર્વાદ હતો.
6 પોટીફારનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોંપ્યું. તે જે અન્ન ખાતો તે સિવાય તેનું પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. યૂસફ સુંદર તથા આકર્ષક હતો.
7 પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.”
8 પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, “જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે.
9 આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?”
10 દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો.
11 એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું.
12 ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.
13 જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે,
14 ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, “જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી.
15 અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો.”
16 તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું.
17 તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, “આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો.
18 પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો.”
યૂસફ કેદખાનામાં
19 જયારે તેના માલિકે તેની પત્નીની કહેલી વાત સાંભળી કે, “તારા દાસે મને આમ કર્યું,” ત્યારે તે ઘણો ગુસ્સે થયો.
20 તેણે યૂસફને જે જગ્યાએ રાજાના કેદીઓ કેદ કરાતા હતા, તે કેદખાનામાં પુરાવી દીધો.
21 પણ ઈશ્વર યૂસફની સાથે હતા અને તેમણે તેના પર દયા કરી. તેને કેદખાનાના અમલદારની દ્રષ્ટિમાં કૃપા પમાડી.
22 જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો.
23 તે કેદખાનાનો અમલદાર યૂસફનાં કોઈપણ કામમાં માથું મારતો ન હતો કે તેની ચિંતા કરતો ન હતો. કેમ કે ઈશ્વર યૂસફની સાથે હતા. તેણે જે કંઈ કામ કર્યું તેમાં ઈશ્વરે તેને સફળતા બક્ષી.