43
મિસરની બીજી મુસાફરી
1 કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.
2 તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો.”
3 યહૂદાએ તેને કહ્યું, “તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, ‘જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’
4 જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે.
5 પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’ ”
6 ઇઝરાયલે કહ્યું, “અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?”
7 તેઓએ કહ્યું, “આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, ‘શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?’ અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, ‘તમારા ભાઈને અહીં લાવો?’ ”
8 યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.
9 હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે.
10 કેમ કે જો આપણે વિલંબ કર્યો ન હોત, તો ચોક્કસ અમે અત્યાર સુધીમાં બીજીવાર જઈને પાછા આવ્યા હોત.”
11 ઇઝરાયલે તેઓને કહ્યું, “હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની ઔષધ, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ.
12 તમારી મોટી ગૂણોમાં મૂકીને પાછું અપાયેલું નાણું પણ લઈ જાઓ. કદાચ એ ભૂલથી આવી ગયું હશે.
13 તમારા ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ જાઓ. તૈયાર થાઓ અને મિસરમાં તે માણસ પાસે ફરીથી જાઓ.
14 સર્વસમર્થ ઈશ્વર તમને તે માણસ દ્વારા કૃપા દર્શાવે કે જેથી તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મુક્ત કરે. જો મારે મારા દીકરાથી વંચિત થવાનું થાય તો તે સહન કરવું જ પડશે.
15 તેઓએ ભેટ લીધી, બમણાં નાણાં લીધાં અને બિન્યામીનને સાથે લઈને તેઓ મિસરમાં ગયા; અને યૂસફની સમક્ષ આવીને ઊભા રહ્યા.
16 જયારે યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘરમાં લઈ આવ, પશુને કાપીને તેને રાંધીને તે માણસોને માટે તૈયાર કર; કે જેથી તેઓ બપોરે મારી સાથે જમે.”
17 જે પ્રમાણે યૂસફે કહ્યું હતું તે પ્રમાણે કારભારીએ કર્યું. તે તેઓને યૂસફના ઘરે લઈ આવ્યો.
18 તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, “આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો.”
19 તેઓ યૂસફના ઘરના કારભારી પાસે ગયા, ઘરના દરવાજા આગળ તેઓએ વાતચીત કરતાં તેને કહ્યું,
20 “ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.
21 ત્યારે એવું બન્યું હતું કે, અમે જયારે અમારા ઉતારાના સ્થાને પહોંચ્યા અને અમે અમારા થેલાઓ છોડ્યા, ત્યારે અમારામાંના દરેકની ગૂણોમાં અમે ચૂકવેલાં નાણાં અમારા જોવામાં આવ્યાં. અમે તે નાણાં પાછાં લાવ્યા છીએ.
22 તે ઉપરાંત વધારાનાં નાણાં પણ અમે અનાજ ખરીદવા લાવ્યા છીએ. અમારા થેલાઓમાં નાણાં કોણે મૂકેલાં હતાં એ અમે જાણતા નથી.”
23 કારભારીએ કહ્યું, “તમને શાંતિ થાઓ, ગભરાશો નહિ. તમારા તથા તમારા પિતાના ઈશ્વરે જ એ નાણું તમારા થેલાઓમાં મૂક્યું હશે. મને તમારા નાણાં મળ્યા હતા.” ત્યાર પછી કારભારી શિમયોનને તેઓની પાસે લાવ્યો.
24 પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો.
25 તેઓએ જાણ્યું કે અમારે યૂસફના ઘરે જમવાનું છે, માટે યૂસફ ઘરે આવે તે પહેલા તેઓએ ભેટો તૈયાર કરી.
26 જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં.
27 યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?”
28 તેઓએ કહ્યું, “તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે.” ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં.
29 યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.”
30 યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.
31 તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, “ચાલો, આપણે જમીએ.”
32 દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે.
33 યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા.
34 યૂસફના ટેબલ પરના ખોરાકમાંથી ભાઈઓને પીરસવામાં આવ્યું. બિન્યામીનને બધાના કરતાં પાંચગણું વધારે પીરસાયું. તેઓ સંતોષથી જમ્યા અને યૂસફની સાથે આનંદ કર્યો. પછી પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષારસ પણ આપવામાં આવ્યો.