2
થેસ્સાલોનિકામાંની પાઉલની કામગીરીનાં સંસ્મરણો
કેમ કે, હે ભાઈઓ, તમે જાણો છો કે અમારું તમારી મધ્યે આવવું નિષ્ફળ ગયું નથી. વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.
કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ; પણ જેમ ઈશ્વરે સુવાર્તા કહેવાને અમને વિશ્વાસુ ગણ્યા તેમ અમે માણસોને ખુશ કરવાને નહિ, પણ અમારાં હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.
તમે જાણો છો કે, ન તો અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા કે ન તો દંભ કરીને દ્રવ્યલોભ રાખ્યો; ઈશ્વર સાક્ષી છે, ખ્રિસ્તનાં પ્રેરિત તરીકે અમારો અધિકાર હતો, તોપણ માણસોથી, એટલે કે, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા.
પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા. કેમ કે તમારી ઉપર સ્નેહ હોવાથી અમે તમને કેવળ ઈશ્વરની સુવાર્તા જ નહિ, પણ પોતાનો જીવ આપવાને પણ રાજી હતા, કેમ કે તમે અમને ઘણાં જ પ્રિય થઈ પડ્યા હતા. ભાઈઓ, તમને અમારો શ્રમ તથા કષ્ટ યાદ છે, કેમ કે તમારામાંના કોઈ પર બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.
10 તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયીપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા; તે વિષે તમે અને ઈશ્વર સાક્ષી છો. 11 તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા, 12 કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.
13 અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.
14 ભાઈઓ, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે મંડળી યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનાર તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહ્યાં તેમ તમે પણ પોતાના દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહ્યાં છે. 15 યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે; 16 બિનયહૂદીઓ ઉદ્ધાર ન પામે તે માટે તે યહૂદીઓ અમને વચન કહેતાં રોકે છે; તેથી તેઓ નિરંતર પોતાનાં પાપની વૃદ્ધિ કરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવ્યો છે.
આ મંડળીની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઇચ્છા
17 પણ ભાઈઓ, અમે મનથી તો નહિ, પણ દેહથી તમારી પાસેથી થોડા સમય માટે દૂર થવાને લીધે, ઘણી આતુરતાથી તમારાં મુખ જોવાને માટે ઘણાં પ્રયત્નો કર્યા. 18 એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા. 19 કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી? 20 નિ:સંદેહ, તમે અમારો મહિમા તથા આનંદ છો.