2
ખ્રિસ્ત આપણા સહાયક
1 મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
2 તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે.
3 જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ.
4 જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
5 પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ.
6 હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.
નવી આજ્ઞા
7 વહાલાંઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે તમારી પાસે આરંભથી હતી, તે વિષે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે.
8 વળી નવી આજ્ઞા જે તેમનાંમાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરું અજવાળું હમણાં પ્રકાશે છે.
9 જે કહે છે કે, હું અજવાળામાં છું અને પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે હજી સુધી અંધકારમાં જ છે.
10 જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.
11 પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે.
12 બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે.
13 પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે.
14 પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.
15 જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
16 કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
17 જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.
ખ્રિસ્ત વિરોધી
18 બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે.
19 તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.
20 જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો,
21 તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.
22 જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે.
23 દરેક જે પુત્રનો નકાર કરે છે, તેમની પાસે પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે.
24 જે તમે આરંભથી સાંભળ્યું છે, તે તમારામાં રહે. પહેલાંથી જે તમે સાંભળ્યું, તે જો તમારામાં રહે તો તમે પણ પુત્ર તથા પિતામાં રહેશો.
25 જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે.
26 જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે.
27 જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.
28 હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ.
29 જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.