37
અલિહૂ (ચાલુ)
નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે;
તે તેની જગ્યાએથી ખસી જાય છે.
તેમના* મુખમાંથી નીકળતા અવાજ,
ધ્યાનથી સાંભળો.
આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે,
અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે.
તેમની પાછળ અવાજ થાય છે;
તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે;
જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે.
ઈશ્વર અદ્દભુત રીતે તેમનો અવાજ કરે છે;
તેમનાં મહાન કૃત્યો આપણે સમજી શકતા નથી.
તેમણે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’
તે જ રીતે વરસાદને વરસવાનું,
અને ‘પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.’
આ રીતે તેઓ સર્વ માણસોને કામ કરતા અટકાવે છે,
કે જેથી તેમનું સર્જન કરેલા લોકો તેમનું પરાક્રમ સમજે.
ત્યારે પશુઓ સંતાઈ જાય છે
અને તેઓની ગુફામાં ભરાઈ જાય છે.
દક્ષિણ દિશામાંથી ચક્રવાત આવે છે,
અને ઉત્તર દિશામાંથી ઠંડા પવન સાથે ઠંડી આવે છે.
10 ઈશ્વરના શ્વાસથી હિમ થાય છે;
અને સમુદ્રો ધાતુની માફક થીજી જાય છે.
11 ખરેખર, તે ભારે વાદળોને પાણીથી ભરી દે છે;
અને વાદળોમાં તે વીજળીઓને ચમકાવે છે.
12 તેઓ વાદળોને આખી પૃથ્વી પર ચારેતરફ વિખેરી નાખે છે,
જેમ તેઓને આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે કરે છે.
13 લોકોને શિક્ષા કરવા સારુ, તો કોઈ સમયે તેમની પૃથ્વીને માટે,
અને કોઈ સમયે કરારના વિશ્વાસુપણાના કાર્યને માટે, ઈશ્વર આ પ્રમાણે સર્વ થવા દે છે.
14 હે અયૂબ, આ વાત પર લક્ષ આપ;
જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર.
15 ઈશ્વર વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે,
અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણતો નથી?
16 વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે,
જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે?
17 તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે.
અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે?
18 જેમ તેમણે આકાશ વિસ્તાર્યાં છે તેમ, તમે કરી શકો છો?
આકાશને ચમકતા કરેલા પિત્તળની જેમ ચમકીલુ બનાવી શકો છો?
19 અમારે શું કહેવું તે અમને શીખવ,
કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી.
20 શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી?
શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય?
21 જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે
લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.
22 તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા
અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી.
23 સર્વશક્તિમાન ઈશ્વર મહાન છે! આપણે તેમને સમજી શકતા નથી;
તેઓ મહા પરાક્રમી અને ન્યાયી છે.
તેઓ આપણને નુકસાન પહોંચાડતા નથી.
24 તેથી લોકો તેમનાથી ડરે છે.
“પણ જેઓ પોતાની જાતને જ્ઞાની માને છે, તેવા લોકોને ઈશ્વર ગણકારતા નથી.”
* 37:2 ઈશ્વરના