13
સામસૂનનો જન્મ
1 ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેમણે ચાળીસ વર્ષ સુધી તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપ્યાં.
2 ત્યાં દાનના કુંટુબનો સોરાહનો રહેવાસી માનોઆ નામનાં એક માણસ હતાં. તેની પત્નીને સંતાન તથા ન હતાં.
3 ઈશ્વરના દૂતે તે સ્ત્રીને દર્શન આપીને કહ્યું, “હવે જો, તું નિઃસંતાન છે અને તને સંતાન થતાં નથી, પણ તને ગર્ભ રહેશે અને તું બાળકને જન્મ આપશે.
4 હવે ધ્યાન રાખ દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ જે ખોરાક અશુદ્ધ ગણાય છે તે ખાઈશ નહિ.
5 જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
6 ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.
7 તેણે મને કહ્યું, જો! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેથી દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારુ નાઝીરી થશે.”
8 પછી માનોઆએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈશ્વર કૃપા કરીને જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે મોકલો કે જેથી જે બાળક જન્મશે તેને અમારે શું કરવું તે વિષે તે અમને શીખવે.”
9 ઈશ્વરે માનોઆની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો અને જયારે તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની પાસે આવ્યો. પણ તેનો પતિ માનોઆ તેની સાથે ન હતો.
10 તેથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને કહ્યું કે, “જો! તે દિવસે જે માણસ મારી પાસે આવ્યો હતો તે મને દેખાયો.”
11 માનોઆ ઊઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો. અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી?” તેણે કહ્યું “હા હું એ જ છું.”
12 તેથી માનોઆએ કહ્યું, “હવે તારું વચન ફળીભૂત થાઓ. પણ તે છોકરો કેવો નીવડશે. અને કેવા કામ કરશે?”
13 ઈશ્વરના સ્વર્ગદૂતે માનોઆને કહ્યું, “જે સર્વ મેં સ્ત્રીને કહ્યું, તે વિષે તેણે કાળજી રાખવી.
14 તેણે દ્રાક્ષનું બનેલું કંઈ પણ ન ખાવું, તેણે દારૂ કે નશાકારક પીણું પીવું નહિ; કંઈ પણ અશુદ્ધ ખાવું નહિ. મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે.”
15 માનોઆએ ઈશ્વરના દૂતને કહ્યું, “કૃપા કરીને, અહીં રહો કે અમે તમારે માટે એક હલવાન માંસ રાંધીએ.”
16 ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, “જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહિ. પણ જો તું દહનીયાર્પણ તૈયાર કરે છે, તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ.” માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે.
17 માનોઆએ યહોવાહના દૂતને કહ્યું, “તારું નામ શું છે, જેથી તારાં વચન ફળે ત્યારે અમે તારું સન્માન કરીએ?”
18 ઈશ્વરના દૂતે તેને કહ્યું, “તું મારું નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્દભુત છે!”
19 ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું.
20 ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.
21 ઈશ્વરના દૂતે માનોઆને તથા તેની પત્નીને ફરી દર્શન આપ્યું નહિ. ત્યારે માનોઆએ જાણ્યું કે તે ઈશ્વરનો સ્વર્ગદૂત હતો.
22 માનોઆએ તેની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે, માટે આપણે નક્કી મરી જઈશું!”
23 પણ તેની પત્નીએ તેને કહ્યું, “જો ઈશ્વર આપણને મારી નાખવા ઇચ્છતા હોત, તો તેઓ આપણાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણનો સ્વીકાર કરત નહિ. અને તેઓ આપણને આ બધી બાબતો બતાવત નહિ અને આ સમયે તેઓ આપણને આ વાતો સંભળાવત નહિ.”
24 અને તે સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો, તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
25 ઈશ્વરનો આત્મા તેને સોરાહ તથા એશ્તાઓલની વચ્ચે, માહનેહ દાનમાં, સંચાર કરવા લાગ્યો.