10
આહાબના રાજપુત્રોનો નાશ
હવે આહાબના સિત્તેર દીકરાઓ સમરુનમાં હતા. યેહૂએ સમરુનમાં યિઝ્રએલના અધિકારીઓ, વડીલો તથા આહાબના દીકરાઓની રક્ષા કરનારાઓ પર પત્રો લખી મોકલીને કહાવ્યું, “તમારા માલિકના દીકરાઓ તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે. તમારા માલિકના દીકરાઓમાંથી સૌથી સારા અને શ્રેષ્ઠને પસંદ કરીને તેને તેના પિતાના રાજયાસન પર બેસાડીને તમારા માલિકના ઘરને માટે યુદ્ધ કરજો.”
પણ તેઓએ અતિશય ગભરાઈને કહ્યું, “જુઓ, બે રાજાઓ યેહૂની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરીને ટકી શકીશું?” આથી ઘરના કારભારીએ, નગરના અમલદારોએ, વડીલોએ તથા દીકરાઓના રક્ષકોએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે તમારા ચાકરો છીએ. તમે જે કંઈ કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા બનાવીશું નહિ. તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરો.”
પછી યેહૂએ તેઓને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારા પક્ષના હો, મારું સાંભળવા તૈયાર હો, તો આવતી કાલે આ સમયે તે માણસોના એટલે તમારા માલિકના દીકરાઓનાં માથાં લઈને યિઝ્રએલમાં મારી પાસે આવજો.” એ સિત્તેર રાજકુમારો નગરના મુખ્ય માણસોની દેખરેખ નીચે હતા, તેઓ રાજકુમારોની સુખાકારી માટે જવાબદાર હતા. જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના સિત્તેર રાજકુમારોને મારી નાખ્યા, તેઓના માથાં ટોપલીઓમાં ભરીને યેહૂ પાસે યિઝ્રએલમાં મોકલ્યાં.
સંદેશાવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “તેઓ રાજપુત્રોના માથાં લાવ્યા છે.” ત્યારે તેણે કહ્યું, “ભાગળના પ્રવેશદ્વાર આગળ બે ઢગલા કરીને તે માથાં આવતી કાલ સવાર સુધી ત્યાં રાખી મૂકો.” સવારમાં યેહૂ બહાર આવ્યો. તેણે ઊભા રહીને બધા લોકને કહ્યું, “તમે નિર્દોષ છો. જુઓ, મેં તો મારા માલિકની સામે કાવતરું રચીને તેને મારી નાખ્યો, પણ આ બધા રાજકુમારોને કોણે મારી નાખ્યા?
10 હવે તમારે નિશ્ચે જાણવું કે, યહોવાહ આહાબના કુટુંબ વિષે જે કંઈ બોલ્યા છે, તેમાંથી એક પણ વચન નિષ્ફળ થનાર નથી. કેમ કે યહોવાહ પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.” 11 યેહૂએ યિઝ્રએલમાં આહાબના કુટુંબનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય માણસોને, નજીકના મિત્રોને તથા તેના યાજકોને કોઈને પણ બાકી રાખ્યા સિવાય સર્વને મારી નાખ્યા.
અહાઝયાહના કુટુંબીઓનો નાશ
12 પછી યેહૂ ઊઠીને ચાલ્યો ગયો. તે સમરુનમાં ભરવાડોના કાતરણીના ઘર બેથ એકેદ આગળ આવી પહોંચ્યો, 13 ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝયાહના ભાઈઓ મળ્યા. યેહૂએ તેમને પૂછ્યું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાહના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણી ઇઝબેલના દીકરાઓને મળવા જઈએ છીએ.” 14 યેહૂએ પોતાના માણસોને કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના બેથ એકેદ કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.
આહાબનાં બાકીનાં સગાંનો વિનાશ
15 જ્યારે યેહૂ ત્યાંથી વિદાય થયો, ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહૂએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે?” યહોનાદાબે કહ્યું, “હા છે.” પછી યેહૂએ કહ્યું, “જો તેમ છે તો તારો હાથ મને આપ.” અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો યેહૂએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો. 16 યેહૂએ કહ્યું, “તું મારી સાથે આવ અને યહોવાહ પ્રત્યેની મારી આવેશ જો.” એમ તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો. 17 સમરુનમાં આવીને યેહૂએ આહાબના કુટુંબનાં બાકી રહેલાઓને મારી નાખ્યા, જે પ્રમાણે યહોવાહનું વચન તેમની આગળ એલિયાએ કહ્યું હતું તે પ્રમાણે તેણે આહાબના રાજપુત્રોનો નાશ કર્યો.
બાલના ઉપાસકોનો વિનાશ
18 પછી યેહૂએ બધા લોકોને એકસાથે ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની વધારે સેવા કરશે. 19 માટે હવે બઆલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહિ, કેમ કે, મારે બઆલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહિ આવે તે જીવતો રહેવા પામશે નહિ.” જોકે યેહૂએ બઆલના સેવકોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું. 20 યેહૂએ કહ્યું. “બઆલને માટે એક પવિત્ર મેળો ભરો, તેના માટે દિવસ નક્કી કરો.” માટે તેઓએ તેનો ઢંઢેરો પિટાવ્યો.
21 પછી યેહૂએ સમગ્ર ઇઝરાયલમાં સંદેશાવાહકો મોકલ્યા. બઆલના બધા જ સેવકો આવ્યા, એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બઆલના મંદિરમાં આવ્યા, મંદિર એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું. 22 પછી યેહૂએ યાજકનો વસ્ત્રભંડાર સંભાળનાર માણસને કહ્યું, “બઆલના બધા ભક્તો માટે ઝભ્ભા કાઢી લાવ.” એટલે તે માણસ તેઓને માટે ઝભ્ભા કાઢી લાવ્યો.
23 પછી યેહૂ અને રેખાબનો દીકરો યહોનાદાબ બઆલના મંદિરમાં ગયા. તેણે બઆલના ભક્તોને કહ્યું, “બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાહના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહિ, પણ ફક્ત બઆલના સેવકો જ હોય.” 24 પછી તેઓ યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ એંશી માણસોને બહાર ઊભા રાખ્યા હતા તેઓને કહ્યું હતું કે, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે.”
25 યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો. કોઈને બહાર આવવા દેશો નહિ.” તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બઆલના મંદિરના અંદરનાં ઓરડામાં ગયા. 26 બઆલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હઠાવી દઈને બાળી નાખી. 27 તેઓએ બઆલના સ્તંભને તોડી નાખ્યો. અને બઆલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી. જે આજ સુધી છે. 28 આ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલ અને તેના સેવકોને નષ્ટ કર્યા.
29 પણ નબાટના દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો, તેનું અનુકરણ કરીને યેહૂએ બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડાની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. 30 પછી યહોવાહે યેહૂને કહ્યું, “કેમ કે મારી દ્રષ્ટિમાં જે સારું હતું તે તેં કર્યું, જે બધું મારા હૃદયમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબને મારી નાખવાનું તેં કર્યું તે સારું કર્યું છે, તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલના રાજયાસન પર બેસશે.” 31 તો પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નિયમ પ્રમાણે ચાલવાની તેના પૂરા હૃદયથી કાળજી રાખી નહિ. યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તે કરવાનું તેણે ચાલું રાખ્યું.
યેહૂનો અંત
32 તે દિવસોમાં યહોવાહે ઇઝરાયલના પ્રદેશનો નાશ કરવા માંડ્યો, હઝાએલે ઇઝરાયલીઓને તેઓની હદમાં હરાવ્યા. 33 યર્દન નદીની પૂર્વ તરફ, આર્નોનની ખીણ પાસેના અરોએરથી ગિલ્યાદ તથા બાશાન સુધી આખા ગિલ્યાદ દેશને, ગાદીઓને, રુબેનીઓને તથા મનાશ્શીઓને હરાવ્યા.
34 યેહૂનાં બાકીનાં કૃત્યો અને તેણે જે સર્વ કર્યું તે, તેનાં પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 35 પછી યેહૂ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેઓએ તેને સમરુનમાં દફ્નાવ્યો. તેના દીકરા યહોઆહાઝે તેની જગ્યાએ રાજ કર્યું. 36 યેહૂએ સમરુનમાં અઠ્ઠાવીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું હતું.