10
નાદાબ અને અબિહૂનું પાપ
હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાની ધૂપદાની લઈને તેમાં અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. પછી તેઓએ યહોવાહની આગળ અસ્વીકૃત અગ્નિ ચઢાવ્યો, જે વિષે યહોવાહે તેઓને ચઢાવવાની આજ્ઞા કરી નહોતી. તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા.
પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું,
‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે.
હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’
હારુન કંઈ પણ બોલ્યો નહિ. મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”
આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા. પછી મૂસાએ હારુન તથા તેના પુત્રો એલાઝારને તથા ઈથામારને કહ્યું, “તમારા માથાના વાળ છૂટા ન રાખો અને તમારાં વસ્ત્રો ન ફાડો, જેથી તમે માર્યા ન જાઓ અને જેથી યહોવાહ આખી સભા પર ગુસ્સે ન થાય. પરંતુ બીજા બધા ઇઝરાયલીઓ ભલે યહોવાહે મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માટે વિલાપ કરે ને શોક પાળે. તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે.” તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા.
યાજકો માટેની આચારસંહિતા
યહોવાહે હારુનને કહ્યું, “જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે. 10 તમે પવિત્ર તથા સામાન્ય બાબતની વચ્ચે અને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો. 11 જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો.”
12 મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા દીકરા એલાઝારને તથા ઈથામારને કહ્યું, “યહોવાહને ચઢાવેલા ખાદ્યાર્પણમાંથી બાકી રહેલું અર્પણ લઈને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે ખાવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે. 13 તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે.
14 યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે. 15 ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય.”
16 પછી મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની માંગ કરી અને ખબર પડી કે તેને બાળી દેવામાં આવ્યો હતો. તેથી તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ગુસ્સે થઈને કહ્યું, 17 “તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે. 18 જો તેનું રક્ત તંબુમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી જેમ મેં આજ્ઞા કરી હતી તેમ, તમારે તે ચોક્કસપણે તંબુની અંદર ખાવું જોઈતું હતું.”
19 પછી હારુને મૂસાને જવાબ આપ્યો, “જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?” 20 જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.