માર્કની લખેલી સુવાર્તા
લેખક
આ લખાણ યોહાન માર્ક દ્વારા લખાયું હતું તે વિષે મંડળીના શરૂઆતના પિતૃઓ સર્વસંમત હતા. નવા કરારમાં યોહાન માર્કનો ઉલ્લેખ દસ વાર કરાયો છે પ્રેરિતોનાં કૃત્યો 12:12, 25; 13:5, 13; 15:37, 39; ક્લોસ્સી 4:10; 2 તિમોથી 4:11; ફિલેમોન 24; 1 પિતર 5:13. આ સંદર્ભો સૂચિત કરે છે કે માર્ક બાર્નાબાસનો ભત્રીજો હતો (ક્લોસ્સી 4:10). માર્કની માતાનું નામ મરિયમ હતું કે જે યરુશાલેમમાં સંપત્તિ અને પ્રતિષ્ઠા ધરાવતી સ્ત્રી હતી અને તેમનું ઘર શરૂઆતના ખ્રિસ્તીઓ માટે મળવાનું સ્થાન હતું (પ્રેરિતોનાં કૃત્યો 12:12). યોહાન માર્ક પાઉલની પ્રથમ મિશનરી મુસાફરીમાં પાઉલ તથા બાર્નાબાસ સાથે જોડાયો હતો. (પ્રેરિતોનાં કૃત્યો 12:25; 13:5). બાઇબલના પૂરાવાઓ તથા મંડળીના શરૂઆતના પિતૃઓ પિતર અને માર્ક વચ્ચે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે (1 પિતર 5:13). તે પિતરનો ભાષાંતરકાર પણ હતો અને મોટી સંભાવના છે કે પિતરનો પ્રચાર અને તેની નજરે જોયેલી સાક્ષી માર્કની સુવાર્તા માટે મુખ્ય સ્રોત રહ્યા હોવા જોઈએ.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 50 થી 60 ની આસપાસનો છે.
મંડળીના પિતૃઓના ઘણા લખાણો (ઇરેનીયસ, એલેક્સાંદ્રિયા ક્લેમેંટ અને બીજા) પુષ્ટિ કરે છે કે માર્કની સુવાર્તા રોમમાં લખાઈ હશે. મંડળીના શરૂઆતના સ્રોત જણાવે છે કે આ સુવાર્તા પિતરના મૃત્યુ (ઇ.સ. 67-68) બાદ લખાઈ હતી.
વાંચકવર્ગ
લખાણના પૂરાવાઓ સૂચિત કરે છે માર્કે આ સુવાર્તા સામાન્ય રીતે બિનયહૂદી વાંચકો માટે અને ખાસ કરીને રોમન શ્રોતાજનો માટે લખી હતી. ઈસુની વંશાવળીનો સમાવેશ કરાયો નથી તેનું આ કારણ હોઇ શકે, કારણ કે બિનયહૂદી દુનિયા તેને ખાસ સમજી શકી ન હોત.
હેતુ
માર્કના વાંચકો કે જેઓ મુખ્યત્વે રોમન ખ્રિસ્તીઓ હતા તેઓ ઇ.સ. 67-68 માં નીરો સમ્રાટના શાસન નીચે સખત સતાવણીમાંથી પસાર થઈ રહ્યા હતા. ખ્રિસ્તીઓ પર સખત અત્યાચારો કરવામાં આવતા હતા અને તેઓને મારી નાખવામાં આવતા હતા. આવી પરિસ્થિતિમાં માર્કે, ઈસુને યાતનાઓ સહન કરતા સેવક તરીકે ચિત્રિત કરતા (યશાયા 53) આ સુવાર્તા કપરા સમયોમાંથી પસાર થતા ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવા લખી હતી.
મુદ્રાલેખ
ઈસુ યાતના સહેનાર સેવક
રૂપરેખા
1. અરણ્યમાં ઈસુની સેવા માટેની તૈયારી — 1:1-13
2. ઈસુની ગાલીલમાં અને આસપાસ સેવા — 1:14-8:30
3. ઈસુનું મિશન: દુઃખ સહન અને મૃત્યુ — 8:31-10:52
4. યરુશાલેમમાંની ઈસુની સેવા — 11:1-13:37
5. ક્રૂસારોહણનું વૃતાંત — 14:1-15:47
6. ઈસુનું જીવનોત્થાન અને શિષ્યોને દર્શન — 16:1-20
1
યોહાન બાપ્તિસ્તનો સંદેશ
માથ. 3:1-12; લૂક 3:1-18; યોહ. 1:9-28
1 ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત.
2 જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે;
3 અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.
4 એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.
5 આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
6 યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો.
7 તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી.
8 હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’ ”
ઈસુનું બાપ્તિસ્મા અને પરીક્ષણ
માથ. 3:13-4:11; લૂક 3:21-22; 4:1-13
9 તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા;
10 પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા,
11 અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’ ”
12 તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા;
13 અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.
પ્રથમ શિષ્યોને આમંત્રણ
માથ. 4:12-22; લૂક 4:14-15; 5:1-11
14 યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે,
15 ‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’ ”
16 તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા.
17 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’ ”
18 તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.
19 ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા.
20 ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.
અશુદ્ધ આત્મા વળગેલો માણસ
લૂક 4:31-37
21 તેઓ કપરનાહૂમમાં ગયા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો.
22 લોકો તેમના બોધથી નવાઈ પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો.
23 તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે,
24 ‘અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.’ ”
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા’.
26 અશુદ્ધ આત્માએ તેને વીંઝી નાખ્યો તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો.
27 બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, ‘આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.’ ”
28 તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.
ઈસુએ ઘણાં લોકોને સાજાં કર્યા
માથ. 8:14-17; લૂક 4:38-41
29 તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા.
30 હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું.
31 તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી.
32 સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા.
33 બારણા આગળ આખું શહેર ભેગું થયું.
34 ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.
ગાલીલમાં ઈસુનો ઉપદેશ
લૂક 4:42-44
35 સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.
36 સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા;
37 અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’ ”
38 તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’ ”
39 આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.
એક કોઢિઓ શુદ્ધ થયો
માથ. 8:1-4; લૂક 5:12-16
40 એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, ‘જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.’ ”
41 ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, ‘મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;’
42 તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો.
43 તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો;
44 અને કહ્યું કે, ‘જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.’ ”
45 પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.