6
નાસરેથમાં ઈસુનો નકાર
માથ. 13:53-58; લૂક 4:16-30
ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાંએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે! તેમના હાથથી આવાં પરાક્રમો કેવી રીતે થાય છે એ શું છે? શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?’ અને તેઓએ તેમને સ્વીકાર કર્યો નહિ.
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.’ ” તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહિ. તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.
ઈસુ બાર શિષ્યોને મોકલે છે
માથ. 10:5-15; લૂક 9:1-6
બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો; તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ; પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.’ ”
10  વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. 11  જ્યાં કહીં તેઓ તમારો આવકાર ના કરે અને તમારું ના સાંભળે, તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો.
12 તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યો કે, ‘પસ્તાવો કરો.’ ” 13 તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.
યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ
માથ. 14:1-12; લૂક 9:7-9
14 હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે ‘યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.’ ” 15 પણ બીજાઓએ કહ્યું કે, ‘તે એલિયા છે;’ અને અન્ય કેટલાકે કહ્યું કે, ‘તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.’ ”
16 પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, ‘એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.’ ” 17 કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી.
18 તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે, ‘તારા ભાઈની પત્નીને રાખવી તે તને ઉચિત નથી.’ ” 19 એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી. 20 કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.
21 આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો; 22 તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, ‘તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.’ ”
23 તેણે સમ ખાઈને તેને કહ્યું કે, ‘જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.’ ” 24 તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, ‘હું શું માગું?’ તેણે કહ્યું, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ’. 25 તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે, ‘હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ.’ ”
26 રાજા ખૂબ જ દુ:ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહિ. 27 તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું; 28 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું. 29 તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું.
પાંચ રોટલી અને બે માછલી
માથ. 14:1-12; લૂક 9:7-9
30 પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું. 31 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો. 32 તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા.
33 લોકોએ તેઓને જતા જોયા, ઘણાંએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. 34 ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.
35 જયારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો ગયો છે; 36 તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.
37 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ ” તેઓ તેને કહે છે કે, ‘શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?’ ” 38 પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’ ” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’ ”
39 તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’ ” 40 તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા. 41 ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.
42 બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા; 43 અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી. 44 જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
ઈસુ પાણી પર ચાલે છે
માથ. 14:22-33; યોહ. 6:15-21
45 તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા. 46 તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. 47 સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.
48 તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા. 49 તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી; 50 કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’ ”
51 તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા; 52 કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.
ગન્નેસારેતમાં માંદાઓ સાજાં થયાં
માથ. 14:34-36
53 તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું. 54 તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા, 55 અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.
56 જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.