20
કાદેશમાં બનેલા બનાવો
નિર્ગ. 17:1-7
પહેલા મહિનામાં ઇઝરાયલ લોકોની આખી જમાત સીનના અરણ્યમાં આવી; તેઓ કાદેશમાં રહ્યા. ત્યાં મરિયમ મરણ પામી અને તેને ત્યાં દફનાવવામાં આવી.
ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા. લોકો મૂસા વિરુદ્ધ ફરિયાદ કરીને કહેવા લાગ્યા, “જ્યારે અમારા ભાઈઓ યહોવાહની સામે મરણ પામ્યા ત્યારે અમે પણ મરી ગયા હોત તો કેવું સારું!
તમે યહોવાહના લોકોને આ અરણ્યમાં કેમ લાવ્યા છો, અમે તથા અમારાં જાનવરો મરી જઈએ? આ ભયાનક જગ્યામાં લાવવાને તું અમને મિસરમાંથી કેમ બહાર લાવ્યો છે? અહીંતો દાણા, અંજીરો, દ્રાક્ષા કે દાડમો નથી. અને પીવા માટે પાણી પણ નથી.”
મૂસા તથા હારુન સભા આગળથી નીકળી ગયા. તેઓ મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા અને ઉંધા પડ્યા. ત્યાં તેઓની સમક્ષ યહોવાહનું ગૌરવ પ્રગટ થયું.
યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું, “લાકડી લે અને તું તથા તારો ભાઈ હારુન સમુદાયને એકત્ર કરો. તેઓની આંખો સમક્ષ ખડકને કહે કે તે પોતાનું પાણી આપે. તું ખડકમાંથી તેઓને સારુ પાણી વહેતું કર, તે તું જમાતને તથા જાનવરને પીવા માટે આપ.” જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ યહોવાહ આગળથી લાકડી લીધી.
10 પછી મૂસાએ અને હારુને જમાતને ખડક આગળ ભેગી કરી. મૂસાએ તેઓને કહ્યું, “હવે, હે બળવાખોરો સાંભળો, શું અમે તમારે સારુ આ ખડકમાંથી પાણી બહાર કાઢીએ?” 11 પછી મૂસાએ પોતાનો હાથ ઊંચો કરીને પોતાની લાકડી ખડકને બે વાર મારી, પુષ્કળ પાણી બહાર વહી આવ્યું. આખી જમાતે પાણી પીધું અને તેઓનાં જાનવરોએ પણ પીધું.
12 પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, કેમ કે તમે મારા પર ભરોસો ન કર્યો, કે ઇઝરાયલ લોકોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ સભાને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.” 13 આ જગ્યાનું નામ મરીબાહ*નું પાણી એવું પાડવામાં આવ્યું, કેમ કે ત્યાં ઇઝરાયલના લોકોએ યહોવાહ સાથે ઝઘડો કર્યો હતો, તેઓ મધ્યે તેમણે પોતાને પવિત્ર મનાવ્યા.
અદોમના રાજાએ દેશપાર જવા મના કરી
14 મૂસાએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશાવાહકો મોકલ્યા: તારો ભાઈ ઇઝરાયલ એવું કહે છે: “જે સર્વ મુસીબતો અમારા પર આવી તે તું જાણે છે. 15 અમારા પિતૃઓ મિસરમાં ગયા અને મિસરમાં લાંબો સમય રહ્યા, મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ આપ્યું તે પણ તું જાણે છે. 16 જ્યારે અમે યહોવાહને પોકાર કર્યો, ત્યારે યહોવાહે અમારો અવાજ સાંભળ્યો અને દૂતને મોકલીને અમને મિસરમાંથી બહાર લાવ્યા. જો, અમે તારા દેશની સરહદના કાદેશ શહેરમાં છીએ.
17 મહેરબાની કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં થઈને નહિ જઈએ, કે અમે તારા કૂવાઓનું પાણી નહિ પીએ. અમે રાજમાર્ગે થઈને જઈશું. તારી સરહદ પસાર કરતા સુધી અમે ડાબે કે જમણે હાથે નહિ ફરીએ.”
18 પણ અદોમના રાજાએ તેને જવાબ આપ્યો, “તું અહીંથી જઈશ નહિ. જો તું એવું કરીશ, તો હું તારા પર હુમલો કરવા તલવાર લઈને આવીશ.” 19 ત્યારે ઇઝરાયલના લોકોએ તેને કહ્યું, “અમે રાજમાર્ગે થઈને જઈશું. જો અમે કે અમારાં જાનવરો તારા કૂવાનું પીએ, તો અમે તેનું મૂલ્ય આપીશું. બીજું કશું નહિ તો અમને પગે ચાલીને પેલી બાજુ જવા દે.”
20 પણ અદોમ રાજાએ જવાબ આપ્યો, “તમે પાર જવા નહિ પામશે.” પછી અદોમ રાજા ઘણાં સૈનિકો તથા મજબૂત હાથ સાથે ઇઝરાયલ સામે આવ્યો. 21 અદોમ રાજાએ ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દેવાનો ઇનકાર કર્યો. એ કારણથી, ઇઝરાયલ લોકો અદોમના દેશમાંથી બીજી તરફ વળ્યા.
હારુનનું મૃત્યુ
22 તેથી લોકોએ કાદેશથી મુસાફરી કરી અને ઇઝરાયલ લોકોની આખી જમાત હોર પર્વત આગળ આવી. 23 હોર પર્વતમાં અદોમની સરહદ પાસે યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા. તેમણે કહ્યું, 24 “હારુન તેના પૂર્વજો સાથે ભળી જશે, કેમ કે જે દેશ મેં ઇઝરાયલ લોકોને આપ્યો છે તેમાં તે પ્રવેશ કરશે નહિ. કેમ કે તમે બન્નેએ મરીબાહનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બળવો કર્યો હતો.
25 તું હારુન અને તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત પર લાવ. 26 હારુનના યાજકપણાનાં વસ્ત્રો ઉતારી લઈને તેને તેના દીકરા એલાઝારને પહેરાવ. હારુન ત્યાં મરી જશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.”
27 યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું. આખી જમાતના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા. 28 મૂસાએ હારુનનાં યાજકપદનાં વસ્ત્રો ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતનાં શિખર પર હારુન મરી ગયો. પછી મૂસા અને એલાઝાર નીચે આવ્યા. 29 જ્યારે આખી જમાતે જોયું કે હારુન મરણ પામ્યો છે, ત્યારે આખી જમાતે હારુન માટે ત્રીસ દિવસ સુધી વિલાપ કર્યો.
* 20:13 ઝધડવું