145
સર્વસમર્થ પ્રભુનું યશોગાન
સ્તવન (ગીત); દાઉદનું.
1 હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ;
હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
2 હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ;
સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
3 યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
5 હું તમારી મહાનતા તથા તમારા મહિમા
અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે
અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
8 યહોવાહ દયાળુ અને કૃપાળુ છે,
તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
9 યહોવાહ સર્વને હિતકારક છે;
પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
10 હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો;
તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે;
અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે
અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.
13 તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે
અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.
14 સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે
અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
15 સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે;
તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
16 તમે તમારો હાથ ખોલો છો,
એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
17 યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે
અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે,
તેઓની સાથે યહોવાહ રહે છે.
19 જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે;
તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
20 યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે,
પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.
21 મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે;
સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.