149
ઇઝરાયલ ઈશ્વરની સ્તુતિ કરે
યહોવાહની સ્તુતિ કરો.
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.
ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે;
સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે;
તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.
સંતો વિજયમાં* હરખાઓ;
પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.
તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ
અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.
તેઓ વિદેશીઓને બદલો વાળે
અને લોકોને શિક્ષા પહોંચાડે.
તેઓ પોતાના રાજાઓને સાંકળોથી
અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.
લખેલો ચુકાદો તેમના પર બજાવે.
એવું મન તેમના બધા સંતોને છે.
યહોવાહની સ્તુતિ કરો.
* 149:5 મહિમામાં