2
પ્રભુનો અભિષિક્ત રાજા
1 વિદેશીઓ શા માટે તોફાન કરે છે?
અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
2 યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ
પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે
અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
3 “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ;
અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
4 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે;
પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
5 પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે
અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
6 “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં
મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
7 હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ.
તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે!
આજે મેં તને જન્મ આપ્યો છે.
8 તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો
અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે;
તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
10 તેથી હવે, રાજાઓ, તમે સમજો;
ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
11 ભયથી યહોવાહની સેવા કરો
અને કંપીને હર્ષ પામો.
12 તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો
કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે
જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.