48
સિયોન:ઈશ્વરનું નગર
ગાયન; કોરાના દીકરાઓનું ગીત.
આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં
યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ,
ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી
પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
કેમ કે રાજાઓ એકત્ર થયા,
તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા;
ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ
તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં
વહાણોને ભાંગી નાખ્યાં.
જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના
સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે;
ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે.
સેલાહ
હે ઈશ્વર, અમે તમારા ઘરમાં
તમારી કૃપા વિષે વિચાર કર્યો.
10 હે ઈશ્વર, જેવું તમારું નામ છે,
તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી
સિયોન પર્વત આનંદ પામશે
યહૂદિયાની દીકરીઓ* હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ
અને તેના મહેલો પર લક્ષ આપો
જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
14 કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે;
તે મરણ પર્યંત આપણને દોરનાર છે.
* 48:11 યહૂદિયા નગરના લોકો