5
રક્ષણ માટેની પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત.
1 હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો;
મારા ચિંતન પર લક્ષ આપો.
2 હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો,
કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
3 હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો;
સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.
4 દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી;
દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
5 તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી;
જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
6 જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો;
યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
7 પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ;
હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
8 હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો;
મારી આગળ તમારો માર્ગ સીધા કરો.
9 કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી;
તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે;
તેઓનું ગળું ઉઘાડી કબર છે;
તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
10 હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો;
તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો!
તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો,
કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.
11 પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે;
તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે;
તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.
12 કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો;
તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.