89
રાષ્ટ્રીય આપત્તિ સમયનું ગીત
એથાન એઝ્રાહીનું માસ્કીલ.
હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ.
હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે;
આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”
યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે,
મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ
અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.”
સેલાહ
હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે;
સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.
કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય?
ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે?
સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે
અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.
હે સૈન્યોના ઈશ્વર યહોવાહ,
હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે?
તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
10 મારી નંખાયેલાની જેમ તમે રાહાબ*ને છૂંદી નાખ્યો છે.
તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.
11 આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે.
તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે.
તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે
અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
14 ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે.
તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
15 જેઓ તમારી સ્તુતિ§ કરે છે, તેઓ આશીર્વાદિત છે!
હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે
અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
17 તમે તેઓના સામર્થ્યનો મહિમા છો
અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
18 કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે;
ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
ઈશ્વરે દાઉદને આપેલું વચન
19 ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું;
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે;
મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
22 શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ;
અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.
23 તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ;
જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ.
24 મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે;
મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ
અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
26 તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો,
મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’
27 વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ,
પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
28 હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ;
અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
29 તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ
અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે
અને મારા હુકમોને આધીન નહિ રહે,
31 જો તેઓ મારા વિધિઓને તોડશે
અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
32 તો હું સોટીથી તેઓના અપરાધોની
અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
33 પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ
અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
34 હું મારો કરાર નહિ તોડું
અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
35 એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે
હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેના વંશજો સર્વકાળ ટકશે
અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.
37 ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે,
આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.”
સેલાહ.
38 પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે;
તેના પર કોપાયમાન થયા છો.
39 તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે.
તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યા છે.
41 માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે.
તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.
42 તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે;
અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે.
43 તમે તેની તલવારની ધાર વાળી દો છો
અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.
44 તમે તેનું તેજ* લઈ લીધું છે
અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.
45 તમે તેની યુવાનીના દિવસો ટૂંકા કર્યા છે.
તમે તેને શરમિંદો કરી દીધો છે.
બચાવ માટે પ્રાર્થના
46 હે યહોવાહ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સુધી સંતાઈ રહેશો?
તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ સળગતો રહેશે?
47 મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો
અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
48 એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ?
શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
સેલાહ
49 હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા,
તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?
50 હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો
અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
51 હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે;
તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.
52 નિરંતર યહોવાહને ધન્યવાદ આપો.
આમીન તથા આમીન.
* 89:10 એક કાલ્પનિક સમુદ્રના રાક્ષસ જે અયૂબ 9.13; 26.12 અને યશા. 51. 9 માં જોવા મળે છે. રહાબ અહીં પૌરાણિક સમુદ્ર સર્પનો ઉલ્લેખ કરે છે. 89:12 તાબોર દક્ષિણી ગાલીલના તળાવના પશ્ચિમ ભાગનો પર્વતમાળા છે.જે 555 મીટરની ઊંચાઈએ પહોંચ્યો હતો. 89:12 હર્મન પર્વત ગાલીલતળાવના 75 કિલોમીટર (45 માઇલ) ઉત્તરપૂર્વે છે, જે 2,750 મીટર (8,940 ફીટ) ની ઊંચાઇએ પહોંચે છે. § 89:15 ઈશ્વર માટે ઉજવણીનો અવાજ * 89:44 રાજદંડ