15
કરારકોશના સ્થળાંતરની તૈયારી
1 દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
2 પછી દાઉદે કહ્યું, “ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.”
3 પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
4 દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.
5 તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
6 મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
7 ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
8 અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
9 હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
10 ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
11 દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમ્મીનાદાબ લેવીઓને બોલાવ્યા.
12 તેણે તેઓને કહ્યું, “તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.
13 તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”
14 તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.
15 તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.
16 દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.
17 માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.
18 તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.
19 હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા.
20 સિતારો વગાડવા માટે ઝખાર્યા, અઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા.
21 વીણા વગાડવા માટે માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.
22 લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.
23 બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.
24 શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
કરારકોશ યરુશાલેમમાં લાવ્યા
2 શમુ. 6:12-22
25 પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.
26 જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.
27 દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ ઝભ્ભો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.
28 તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.
29 યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.