28
મંદિર અંગેના દાઉદનાં સૂચનો
1 દાઉદે ઇઝરાયલના તમામ અધિકારીઓ, કુળના આગેવાનો, રાજાની સેવા કરનારા ઉપરીઓ, સહસ્રાધિપતિઓ અને શતાધિપતિઓ તથા રાજાની અને તેના પુત્રોની તમામ સંપત્તિ અને જાનવરોને સંભાળનાર કારભારીઓ તેમ જ અમલદારો તથા પરાક્રમી પુરુષો અને બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યા.
2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, “મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી.
3 પણ ઈશ્વરે મને કહ્યું, ‘તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહિ, કારણ કે, તેં ઘણાં યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે.’ ”
4 તેમ છતાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયલનો રાજા બનાવ્યો.
5 યહોવાહે મને ઘણાં પુત્રો આપ્યાં તેમાંથી ઇઝરાયલ પર ઈશ્વરનું જે રાજ્ય છે તેના સિંહાસન પર બેસવા માટે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો.
6 ઈશ્વરે મને કહ્યું કે, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઈશ.
7 જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે તે પ્રમાણે દૃઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ.’ ”
8 માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ.
9 “વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
10 તું યાદ રાખજે કે, ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા, અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે.”
11 પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સભાસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો.
12 ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી.
13 યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાહના સભાસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાહના સભાસ્થાનની સેવાનાં પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાને કહી જણાવી.
14 સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાને માટે રૂપાનાં તમામ પાત્રોને સારુ જોઈતું ચાંદી પણ તેણે તોળીને આપ્યું.
15 સોનાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું ચાંદી તોળીને આપ્યું.
16 અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું ચાંદી તોળીને આપ્યું.
17 વળી તેણે ચોખ્ખા સોનાનાં ત્રિપાંખી સાધનો, થાળીઓ, વાટકાઓ અને પ્યાલાંને સારુ સોનું અને રૂપાનાં પ્યાલાને સારુ ચાંદી તોળીને આપ્યું.
18 ધૂપ વેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાહના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોનો પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું.
19 દાઉદે કહ્યું, “આ નકશાની સર્વ વિગતો અને સર્વ કામ વિષેના યહોવાહ તરફના લેખની મને સમજણ પાડવામાં આવી છે.”
20 વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે, બળવાન અને ખૂબ હિંમતવાન થઈને એ કામ કરજે. બીશ નહિ અને ગભરાઈશ પણ નહિ. કેમ કે ઈશ્વર યહોવાહ, મારા ઈશ્વર, તારી સાથે છે. જ્યાં સુધી યહોવાહના સભાસ્થાનની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ. અને તને તજી દેશે નહિ.
21 યાજકોની અને લેવીઓની યહોવાહના ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે ટુકડીઓ નિયુક્ત કરેલી છે. બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમ જ લોકો પણ તારી આજ્ઞાનું પાલન તને આધીન રહેશે.”