19
યહોશાફાટને પ્રબોધકનો ઠપકો
1 યહૂદિયાનો રાજા યહોશાફાટ સુરક્ષિત રીતે યરુશાલેમમાં પોતાના ઘરે પાછો ફર્યો.
2 ત્યારે પ્રબોધક હનાનીનો દીકરો યેહૂ યહોશાફાટ રાજાને મળવા ગયો અને તેને કહ્યું, “શું તારે દુર્જનોને મદદ કરવી જોઈએ? અને જેઓ ઈશ્વરને ધિક્કારે છે તેઓ પર શું તારે પ્રેમ કરવો જોઈએ? એને લીધે ઈશ્વરનો કોપ તારા પર પ્રગટ થયો છે.
3 તોપણ તારામાં કંઈક સારી બાબતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ મૂર્તિને હઠાવી દીધી છે. અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવામાં તારું મન વાળ્યું છે.”
યહોશાફાટે કરાવેલી ધર્મસુધારણા
4 યહોશાફાટ યરુશાલેમમાં રહ્યો; અને ફરીથી બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના પ્રભુ ઈશ્વર તરફ તેઓનાં મન ફેરવ્યાં.
5 તેણે દેશમાં, એટલે યહૂદિયાના સર્વ કિલ્લાવાળાં નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.
6 તેણે ન્યાયાધીશોને કહ્યું, “તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો કેમ કે તમે માણસો તરફથી ન્યાય કરતા નથી પણ ઈશ્વરના નામે ન્યાય કરો છો; યાદ રાખજો કે તમે જ્યારે ઇનસાફ કરો ત્યારે ઈશ્વર તમારી સાથે હોય છે.
7 માટે હવે ઈશ્વરનો ડર રાખીને ચાલજો. જયારે તમે ન્યાય કરો ત્યારે સાંભળીને કરજો, કેમ કે આપણા પ્રભુ, ઈશ્વરને અન્યાય, પક્ષપાત અને લાંચ રુશવત પસંદ નથી.”
8 ઉપરાંત, યહોશાફાટે ઈશ્વરના નિયમ સંબંધી ન્યાય ચૂકવવા માટે અને તકરારો માટે યરુશાલેમમાં લેવીઓ, યાજકો અને ઇઝરાયલના કુટુંબોના વડીલોમાંથી કેટલાકને નિયુકત કર્યા. તેઓ યરુશાલેમમાં આવ્યા.
9 તેણે તેઓને સૂચનો આપ્યાં, “ઈશ્વરને આદર આપતા તમારે વિશ્વાસુપણાથી અને સંપૂર્ણ હૃદયથી વર્તવું.
10 જયારે પોતાનાં નગરોમાં રહેતા તમારા ભાઈઓના ખૂન, નિયમો અને આજ્ઞાઓ, મૂર્તિઓ અથવા વ્યવસ્થા સંબંધી કોઈપણ તકરાર તમારી પાસે આવે ત્યારે તમારે લોકોને ચેતવણી આપવી કે, તેઓ ઈશ્વરની વિરુદ્ધ પાપ ન કરે અને તેથી ઈશ્વરનો કોપ તમારા ઉપર અને તમારા ભાઈઓ ઊપર ઊતરે નહિ. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમે દોષિત ઠરશો નહિ.
11 જુઓ, તે મુખ્ય યાજક અમાર્યા, ઈશ્વર સંબંધી બધી બાબતોમાં તમારો અધિકારી છે. રાજાને લગતી તમામ બાબતોમાં યહૂદા કુળનો આગેવાન ઇશ્માએલનો પુત્ર ઝબાદ્યા તમારો અધિકારી થશે. લેવીઓ પણ તમારા અધિકારીઓની સેવા માટે હશે. હિંમતપૂર્વક વર્તજો. નિર્દોષનું રક્ષણ કરવા માટે ઈશ્વર તમારો ઉપયોગ કરો.”