7
મંદિરની પ્રતિષ્ઠા
1 રાજા. 8:62-66
1 જયારે સુલેમાન પ્રાર્થના પૂરી કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યાં અને ઈશ્વરના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું.
2 જેથી યાજકો ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરી શક્યા નહિ, કેમ કે ઈશ્વરના ગૌરવે સભાસ્થાનને ભરી દીધું હતું.
3 ઇઝરાયલના સઘળા લોકોએ અગ્નિને ઊતરતો અને ઈશ્વરના ગૌરવને સભાસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, “કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે.”
4 પછી રાજા અને સર્વ લોકોએ ઈશ્વરને અર્પણ કર્યાં.
5 રાજા સુલેમાને બાવીસ હજાર બળદ અને એક લાખ વીસ હજાર ઘેટાંનું અને બકરાનું બલિદાન આપ્યું. આ રીતે, રાજાએ અને બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનની પ્રતિષ્ઠા કરી.
6 યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરનાં કિર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે, “ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.” તેઓની આગળ યાજકો રણશિંગડાં વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા.
7 સુલેમાને ઈશ્વરના સભાસ્થાનની સામે આવેલા ચોકનો મધ્ય ભાગ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો અર્પણ કર્યા, કારણ કે સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તે આ બલિદાનો એટલે દહનીયાર્પણો, ખાદ્યાર્પણ તથા ચરબીને સમાવવાને અસમર્થ હતી.
8 આ રીતે સુલેમાને અને તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ઉત્તરમાં છેક હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી પર્વની ઊજવણી કરી.
9 આઠમે દિવસે વિશેષ સભા રાખી, કેમ કે તેઓએ સાત દિવસ સુધી વેદીના સમર્પણની અને સાત દિવસ સુધી તે પર્વની ઉજવણી કરી હતી.
10 ઈશ્વરે દાઉદનું, સુલેમાનનું, ઇઝરાયલનું તથા તેમના લોકોનું સારું કર્યુ હતું તેના કારણે સાતમા મહિનાના ત્રેવીસમા દિવસે સુલેમાને લોકોને આનંદ અને હર્ષથી ઉભરાતા હૃદયે તેઓના ઘરે મોકલી દીધા.
સુલેમાનને પ્રભુનાં પુનર્દર્શન
1 રાજા. 9:1-9
11 આ રીતે સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનું અને તેના મહેલનું બાંધકામ પૂરું કર્યું. જે કંઈ તેણે સભાસ્થાન તથા તેના ઘર સંબંધી વિચાર્યું હતું તે બધું જ તેણે સફળતાથી પૂરું કર્યુ.
12 રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને મેં પોતે આ જગ્યાને અર્પણના સભાસ્થાન માટે પસંદ કરી છે.
13 કદાચ હું આકાશને બંધ કરી દઉં કે જેથી વરસાદ ન વર્ષે, અથવા જો હું તીડોને પાક ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકોમાં રોગચાળો મોકલું.
14 પછી જો મારા લોકો, મારા નામથી ઓળખાતા મારા લોકો, પોતાને નમ્ર કરશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, તેમના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપોને માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ.
15 હવે આ સ્થળે કરેલી પ્રાર્થના સંબંધી મારી આંખો ખુલ્લી તથા મારા કાન સચેત રહેશે.
16 કેમ કે મારા સદાકાળના નામ માટે મેં આ સભાસ્થાનને પસંદ કરીને પવિત્ર કર્યુ છે; મારી આંખો અને મારું અંત:કરણ સદાને માટે અહીં જ રહેશે.
17 જો તું મારી સમક્ષ તારા પિતા દાઉદની જેમ ચાલશે, મેં તને જે આજ્ઞા આપી છે તેને તું આધીન રહેશે અને મારા વિધિઓ અને નિયમોનું પાલન કરશે,
18 તો જે કરાર મેં તારા પિતા દાઉદ સાથે કર્યો હતો ત્યારે મેં કહેલું, ‘ઇઝરાયલમાં શાસક થવા માટે તારો વંશ કદી નિષ્ફળ જશે નહિ.’ તે પ્રમાણે હું તારું રાજ્ય કાયમને માટે સ્થાપિત કરીશ.
19 પણ જો તું અને લોકો મારાથી ફરી જશો, મારા વિધિઓ અને મારી આજ્ઞાઓ જેને મેં તમારી આગળ મૂકી છે તેનો ત્યાગ કરી બીજા દેવોની પૂજા અને તેઓને દંડવત કરશો,
20 તો મેં તમને જે દેશ આપ્યો છે તેમાંથી તમારો નાશ કરીશ અને મારા નામ માટે પવિત્ર કરેલા આ સભાસ્થાનનો હું ત્યાગ કરીશ. મારી સંમુખથી હું તેને દૂર કરીશ અને હું તેને સર્વ લોકોમાં કહેવતરૂપ તથા હાસ્યાસ્પદ કરીશ.
21 અને જોકે અત્યારે આ સભાસ્થાનનું ગૌરવ ઘણું છે તોપણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, ‘ઈશ્વરે આ દેશ અને આ સભાસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે?’
22 તે લોકો જવાબ આપશે, ‘કેમ કે તેઓએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર તેમના પિતૃઓના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો સ્વીકાર કર્યો. તેઓને દંડવત કરીને તેઓની પૂજા કરી. તેથી આ બધી આફતો ઈશ્વર તેઓના પર લાવ્યા છે.”