12
સ્ત્રી અને અજગર
પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી. તેણે પ્રસવપીડા સાથે બૂમ પાડી હતી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.
આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના દરેક માથા પર સાત મુગટ હતા; તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.
‘તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો’ જે નરબાળક હતો, તે સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો. સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું.
પછી આકાશમાં યુદ્ધ મચ્યું. મીખાયેલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; તોપણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહિ અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ. તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા.
10 ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, ‘હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.
11 તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ. 12 એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.
13 જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી. 14 સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે.
15 અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. 16 પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ. 17 ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો; 18 અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.