14
યોનાથાનનું સાહસ
1 એક દિવસે, શાઉલના દીકરા યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, “આવ, આપણે પલિસ્તીઓનું લશ્કર જે બીજી તરફ છે ત્યાં જઈએ.” પણ તેણે પોતાના પિતાને એ કહ્યું નહિ.
2 શાઉલ ગિબયાના છેક અંતિમ ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે રોકાયો. આશરે છસો માણસો તેની સાથે હતા,
3 અને શીલોમાં ઈશ્વરના યાજક એલીના દીકરા, ફીનહાસના દીકરા, ઇખાબોદના ભાઈ, અહિટૂબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. યોનાથાન ગયો છે તે લોકો જાણતા નહોતા.
4 યોનાથાન જે રસ્તે થઈને પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની બન્ને બાજુએ ખડકની ભેખડો હતી. એક બાજુની ભેખડનું નામ બોસેસ અને બીજીનું નામ સેને હતું.
5 એક ભેખડની હદ ઉત્તરે મિખ્માશ તરફ હતી અને બીજી ભેખડ દક્ષિણે ગેબા તરફ આવેલી હતી.
6 યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, “આવ, આપણે બેસુન્નતીઓના લશ્કરની છાવણીમાં જઈએ. કદાચ ઈશ્વર આપણા માટે કામ કરશે, કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવામાં ઈશ્વરને કોઈ અવરોધ હોતો નથી.”
7 તેના શસ્ત્રવાહકે જવાબ આપ્યો કે, “જે સર્વ તારા મનમાં છે તે કર. આગળ વધ, તારી બધી આજ્ઞાઓ પાળવાને હું તારી સાથે છું.”
8 પછી યોનાથાને કહ્યું, “આપણે તે માણસોની પાસે જઈએ અને આપણે તેમની નજરે પડીએ.
9 જો તેઓ આપણને એમ કહેશે, ‘જ્યાં સુધી અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી ઊભા રહો’ તો આપણે આપણી જગ્યાએ રહીશું અને તેઓની પાસે નહિ જઈએ.
10 પણ જો તેઓ કહેશે, ‘અમારી પાસે ઉપર આવો,’ તો પછી આપણે ઉપર જઈશું; કેમ કે ઈશ્વરે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે. એ આપણે સારુ ચિહ્ન થશે.”
11 તેઓ બન્નેએ પોતાને પલિસ્તીઓના લશ્કરની આગળ જાહેર થવા દીધા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જે ગુફાઓમાં હિબ્રૂઓ સંતાઈ રહ્યા હતા તેઓમાંથી તેઓ બહાર નીકળે છે.”
12 પછી લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્ત્રવાહકને કહ્યું, “અમારી પાસે ઉપર આવો, અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “મારી પાછળ આવ, કેમ કે ઈશ્વરે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”
13 યોનાથાન ઘૂંટણીયે પડીને ઉપર ચઢયો અને તેનો શસ્ત્રવાહક તેની પાછળ પાછળ ગયો. યોનાથાનની આગળ પલિસ્તીઓ માર્યા ગયા અને તેના શસ્ત્રવાહકે કેટલાકની પાછળ પડીને તેઓને માર્યા.
14 એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં યોનાથાને તથા તેના શસ્ત્રવાહકે જેઓની પ્રથમ કતલ કરી તેઓ આશરે વીસ માણસો હતા.
15 છાવણીમાં, રણક્ષેત્રમાં તથા લોકોમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટ કરનારાઓ પણ ગભરાઈ ગયા. ત્યાં ધરતીકંપ જેવી ધ્રૂજારી પ્રસરી ગઈ.
પલિસ્તીઓની હાર
16 ત્યારે શાઉલના ચોકીદારોએ કે જેઓ બિન્યામીનના ગિબયામાં હતા તેઓએ જોયું; કે પલિસ્તીઓના સૈનિકોનો સમુદાય વિખેરાઈ જતો હતો, તેઓ અહીંતહીં દોડતા હતા.
17 ત્યારે શાઉલે પોતાની સાથે જે લોકો હતા તેઓને કહ્યું, “ગણતરી કરીને જુઓ કે આપણામાંથી કોણ ગુમ થયેલ છે.” જયારે તેઓએ ગણતરી કરી ત્યારે યોનાથાન અને તેનો શસ્ત્રવાહક ગુમ થયેલા હતા.
18 શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ” કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલના સૈનિકો સાથે અહિયા પાસે હતો.
19 જયારે શાઉલ યાજકની સાથે વાત કરતો હતો, તે દરમ્યાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધતો ને વધતો ગયો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”
20 શાઉલ તથા તેની સાથે જે સર્વ લોકો હતા તેઓ એકત્ર થઈને લડવાને ગયા. દરેક પલિસ્તીની તલવાર પોતાના સાથીની વિરુદ્ધ હતી, ત્યારે શત્રુના સૈન્યમાં ભારે ગૂંચવાડો ઊભો થયો.
21 હવે જે હિબ્રૂઓ અગાઉની પેઠે પલિસ્તીઓ સાથે હતા અને જેઓ તેઓની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ પણ શાઉલ તથા યોનાથાનની સાથેના ઇઝરાયલીઓની સાથે ભળી ગયા.
22 ઇઝરાયલના જે બધા માણસો એફ્રાઇમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તેઓએ સાંભળ્યું કે પલિસ્તીઓ નાસી રહ્યા છે, ત્યારે તેઓ પણ લડાઈમાં તેઓની પાછળ પડયા.
23 એમ ઈશ્વરે તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો અને લડાઈ બેથ-આવેનથી આગળ વધી.
યુદ્ધ પછીના બનાવો
24 તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થયા હતા કેમ કે શાઉલે લોકોને સોગન દઈને કહ્યું હતું, “સાંજ પડે ત્યાં સુધી અને મારા શત્રુઓ પર મારું વેર વાળું ત્યાં સુધી કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તો તે શાપિત થાઓ,” માટે લોકોમાંથી કોઈએ કશું ખાધું નહિ.
25 પછી સર્વ સૈન્યો વનમાં આવ્યા અને ત્યાં ભૂમિ ઉપર મધ હતું.
26 લોકોએ વનમાં પ્રવેશ કર્યો ત્યારે, મધ ટપકતું હતું, પણ કોઈએ પોતાના હાથથી મધ લઈને ચાખ્યું નહિ કેમ કે તેઓ સોગનથી બીતા હતા.
27 પણ યોનાથાનને ખબર ન હતી કે તેના પિતાએ લોકોને સોગન દીધા હતા. તેથી તેણે તો પોતાના હાથમાં જે લાકડી હતી તે લાંબી કરીને તેનો છેડો, મધપૂડામાં નાખીને તેને લાગેલું મધ ચાખ્યું. અને તેની આંખોમાં તેજ આવ્યું.
28 અને લોકોમાંથી એક જણે કહ્યું, “તારા પિતાએ લોકોને સોગન આપીને સખત રીતે હુકમ કર્યો છે, ‘જે માણસ આજે અન્ન ખાય તે શાપિત થાય.’ તે સમયે લોકો નિર્બળ થઈ ગયા હતા.”
29 ત્યારે યોનાથાને કહ્યું, “મારા પિતાએ દેશને હેરાન કર્યો છે. જો મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે કેમ કે મેં થોડું મધ ચાખ્યું છે,
30 જો આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી ભરપેટ ખાધું હોત, તો કેટલો વધારે ફાયદો થાત? કેમ કે તેથી તો હાલ પલિસ્તીઓમાં જે કતલ થઈ છે તેના કરતાં પણ ઘણી ભારે કતલ થઈ હોત.”
31 અને તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓ પર હુમલો કરતા ગયા. પરંતુ લોકો ઘણાં નિર્બળ થયા.
32 તેથી લોકો લૂંટ પર તૂટી પડ્યા અને ઘેટાં, બળદો અને વાછરડા લઈને, ભૂમિ ઉપર તેઓનો વધ કર્યો. લોકો લોહી સાથે તે ખાવા લાગ્યા.
33 ત્યારે તેઓએ શાઉલને કહ્યું, “જો, લોકો રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે.” શાઉલે કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે. હવે, એક મોટો પથ્થર ગબડાવીને મારી પાસે લાવો.”
34 શાઉલે કહ્યું, “તમે લોકો મધ્યે જાઓ, તેઓને કહો, ‘દરેક માણસ પોતાનો બળદ, પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, અહીં તેઓને કાપે અને ખાય. પણ તમે રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરશો નહિ.’ અને તેઓમાંના દરેક માણસે એ રાત્રે પોતપોતાના બળદ લાવીને તેઓને ત્યાં કાપ્યા.
35 શાઉલે ઈશ્વરને માટે વેદી બાંધી, એ તેણે ઈશ્વરને માટે બાંધેલી પ્રથમ વેદી હતી.
36 પછી શાઉલે કહ્યું, “ચાલો આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ અને સવાર સુધી તેઓને લૂંટીએ; તેઓમાંના એક પણ માણસને જીવતો રહેવા ન દઈએ.” તેઓએ કહ્યું, “જે કંઈ તને સારું લાગે તે કર.” પણ યાજકે કહ્યું કે, “ચાલો આપણે અહીં ઈશ્વરની સમક્ષ એકત્ર થઈએ.”
37 શાઉલે ઈશ્વર પાસે સલાહ માગી, “શું હું પલિસ્તીઓની પાછળ પડું? શું તમે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપશો?” પણ ઈશ્વરે તે દિવસે કંઈ ઉત્તર આપ્યો નહિ.
38 પછી શાઉલે કહ્યું, “અહીં આવો, સર્વ લોકોના આગેવાનો તમે અહીં આવો; જુઓ અને જાણો કે આજે આ પાપ કયા કારણથી થયું છે?
39 કેમ કે, ઇઝરાયલને બચાવનાર ઈશ્વર જે જીવે છે તેમના સમ દઈને કહું છું જો તે મારો દીકરો યોનાથાન હશે તો પણ, તે નક્કી માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.
40 ત્યારે શાઉલે સર્વ ઇઝરાયલને કહ્યું, “તમે એક બાજુએ રહો, હું અને મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ.” લોકોએ શાઉલને કહ્યું, “જે તને સારું લાગે તે કર.”
41 એ માટે શાઉલે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને કહ્યું, “અમારા દોષો જણાવો.” ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા, પણ પસંદ કરાયેલા લોક બચી ગયા.
42 પછી શાઉલે કહ્યું, “મારી અને મારા દીકરા યોનાથાન વચ્ચે ચિઠ્ઠીઓ નાખો. “ત્યારે ચિઠ્ઠી દ્વારા યોનાથાન પકડાયો.
43 ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, “તેં શું કર્યું છે તે મને કહે.” યોનાથાને તેને કહ્યું કે, “મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં કેવળ થોડું મધ ચાખ્યું છે. હું અહી છું; મારે મરવું પડે એમ છે.”
44 શાઉલે કહ્યું, “ઈશ્વર એવું અને એથી વધારે મને કરો, યોનાથાન તું નિશ્ચે મરશે.”
45 લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલને મોટો વિજય અપાવ્યો છે તે મરશે? એવું ન થાઓ! જીવંત ઈશ્વરના સમ, તેના માથાનો એક પણ વાળ ભૂમિ પર પડનાર નથી, કેમ કે તેણે આજે ઈશ્વરની સહાયથી જ આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવ્યો તેથી તે મરણ પામ્યો નહિ.
46 પછી શાઉલે પલિસ્તીઓની પાછળ પડવાનું બંધ કર્યું અને પલિસ્તીઓ પોતાને સ્થળે ગયા.
શાઉલનો અમલ અને તેનું કુટુંબ
47 જયારે શાઉલ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત થયો ત્યાર પછી તે તેની આજુબાજુનાં સર્વ શત્રુઓની એટલે મોઆબની વિરુદ્ધ, આમ્મોનીઓની વિરુદ્ધ, અદોમની વિરુદ્ધ, સોબાહના રાજાઓની વિરુદ્ધ તથા પલિસ્તીઓની વિરુદ્ધ લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.
48 તેણે બહાદુરીથી અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલ લોકોને લૂંટારાઓના હાથમાંથી બચાવ્યા.
49 યોનાથાન, યિશ્વી અને માલ્કી-શુઆ શાઉલના દીકરા હતા. તેની બે દીકરીઓનાં નામ આ હતાં એટલે મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મિખાલ.
50 શાઉલની પત્નીનું નામ અહિનોઆમ હતું; તે અહિમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર હતું, તે શાઉલના કાકા નેરનો દીકરો હતો.
51 કીશ શાઉલનો પિતા હતો; અને આબ્નેરનો પિતા નેર, એ અબીએલનો દીકરો હતો.
52 શાઉલના આયુષ્યભર પલિસ્તીઓ સાથે સખત યુદ્ધ ચાલ્યા કર્યું. જયારે પરાક્રમી કે કોઈ બહાદુર માણસ શાઉલના જોવામાં આવતો, ત્યારે તે તેને પોતાની પાસે રાખી લેતો હતો.