8
લોકોની રાજા માટે માગણી
1 જયારે શમુએલ વૃદ્ધ થયો, ત્યારે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયલ ઉપર ન્યાયાધીશો બનાવ્યાં.
2 તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.
3 તેના દીકરાઓ તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા. તેઓએ લાંચ લઈને ન્યાયપ્રક્રિયાને ભ્રષ્ટ કરી.
4 પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.
5 તેઓએ તેને કહ્યું, “જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ.”
6 પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, “અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ.” ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.
7 ઈશ્વરે શમુએલને કહ્યું, “લોકો જે સર્વ બાબતો તને કહે છે તેમાં તેઓનું કહેવું તું સ્વીકાર; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ તેઓ પર હું રાજ કરું તે માટે મને નકાર્યો છે.
8 હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.
9 હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે.”
10 જેથી શમુએલે તેને ઈશ્વરે જે કહ્યું તે જેઓ રાજા માંગતા હતા તેઓને જણાવ્યું.
11 તેણે કહ્યું, “જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.
12 તે પોતાને માટે હજાર ઉપર અને પચાસ ઉપર મુકાદમ સરદારો નીમશે. અને કેટલાકને પોતાની જમીન ખેડવા, કેટલાકને તેના પાકને ભેગો કરવા, કેટલાકને યુદ્ધમાં હથિયાર બનાવવા અને તેના રથોનાં સાધનો બનાવવાના કામે લગાડશે.
13 તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
14 તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.
15 તે તમારા અનાજમાંથી અને તમારી દ્રાક્ષવાડીઓમાંથી દસમો ભાગ લઈને પોતાના અધિકારીઓને તથા પોતાના ચાકરોને આપશે.
16 તે તમારા દાસોને, તમારી દાસીઓને, તમારા શ્રેષ્ઠ જુવાન પુરુષોને અને તમારા ગધેડાંઓને લઈ લેશે અને પોતાના કામે લગાડશે.
17 તે તમારા ઘેટાંનો દસમો ભાગ લઈ લેશે અને તમે તેના ગુલામો થશો.
18 તમારા પસંદ કરેલા રાજાને કારણે તમે મને તે દિવસે પોકારશો; પણ ઈશ્વર તે દિવસે તમને ઉત્તર આપશે નહિ.”
19 પણ લોકોએ શમુએલ તરફથી આ બધું સંભાળવાની ના પાડી; તેઓએ કહ્યું, “એમ નહિ! અમારે તો અમારા ઉપર રાજા જોઈએ જ
20 તેથી અમે પણ અન્ય પ્રજાઓના જેવા થઈએ, અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે અને અમારા યુદ્ધોમાં લડાઈ કરે.”
21 ત્યારે શમુએલે લોકોનાં સર્વ શબ્દો સાંભળીને તેણે ધીમે અવાજે તે ઈશ્વરને કહી સંભળાવ્યા.
22 ઈશ્વરે શમુએલને કહ્યું, “તેઓની વાણી સાંભળ અને તેઓને સારુ રાજા ઠરાવી આપ.” તેથી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, “દરેક માણસ પોતપોતાના નગરમાં જાઓ.”