5
1 મારી બહેન, મારી નવોઢા હું મારા બાગમાં આવ્યો છું;
મેં મારા બોળ તથા સુગંધી દ્રવ્યો એકત્ર કર્યા છે.
મેં મારાં મધપૂડામાંથી મધ ખાધું છે;
મેં મારો દ્રાક્ષારસ મારા દૂધની સાથે પીધો છે.
મિત્ર, ખા. મારા પ્રિય મિત્ર ખા; મફત પી.
ચોથું ગીત
2 હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે.
એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે,
“મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ,
મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે
મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.”
3 “મેં મારું વસ્ત્ર કાઢયું છે; તેથી હું કેવી રીતે ફરી પહેરું?
મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”
4 મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો,
અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું.
5 હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી;
દ્વારની સાંકળ પર,
અને મારા હાથમાંથી બોળ
અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
6 મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું,
પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો;
મારું હૃદય શોકમાં ડૂબી ગયું, હું ઉદાસ થઈ ગઈ.
મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ;
મેં તેને બોલાવ્યો, પણ તેણે મને ઉત્તર આપ્યો નહિ.
7 નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ;
તેમણે મને મારી અને ઘાયલ કરી;
કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો.
8 હે યરુશાલેમની દીકરીઓ, હું તમને આજીજી કરું છું કે,
જો તમને મારો પ્રીતમ મળે,
તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.
9 તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે?
ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી,
તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે.
કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે?
10 મારો પ્રીતમ તેજસ્વી અને લાલચોળ છે,
દશ હજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે.
11 તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે;
તેના વાળ ગુચ્છાદાર છે અને તે કાગડાના રંગ જેવી શ્યામ છે.
12 તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે,
તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13 તેના ગાલ સુગંધી દ્રવ્યના પલંગ જેવા,
તથા મધુર સુગંધવાળાં ફૂલો જેવા છે.
જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
14 તેના હાથ પીરોજથી જડેલી સોનાની વીંટીઓ જેવા છે;
નીલમથી જડેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ છે.
15 તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓ પર ઊભા કરેલા સંગેમરમરના સ્તંભો જેવા છે;
તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે.
16 તેનું મુખ અતિ મધુર છે;
તે અતિ મનોહર છે.
હે યરુશાલેમની દીકરીઓ,
આ મારો પ્રીતમ અને આ મારો મિત્ર.