4
જૂઠા શિક્ષકો
1 પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,
2 અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.
3 તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.
4 ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ
5 કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.
ઈસુ ખ્રિસ્તનો ઉત્તમ સેવક
6 આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.
7 પણ દુન્યવી અને મૂર્ખ દંતકથાઓથી દૂર રહી, તું પોતાને ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ;
8 કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.
9 આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.
10 તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.
11 આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.
12 તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.
13 હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.
14 જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.
15 એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.
16 પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.