2
શુદ્ધ ઉપદેશ
પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે. વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ. એ જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કૂથલી નહિ કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ નહિ પીનારી, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ; એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને, આત્મસંયમી, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું શીખવવે, જેથી ઈશ્વરનાં વચનનો તિરસ્કાર ન થાય. તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ. સારાં કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા; તારા ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા, અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય. દાસો તેઓના માલિકોને આધીન રહે, સર્વ રીતે તેઓને પ્રસન્ન રાખે, સામે બોલે નહિ, 10 ઉચાપત કરે નહિ પણ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર થાય એવો બોધ કર; કે જેથી તેઓ બધી રીતે આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરના શિક્ષણને શોભાવે. 11 કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે; 12 તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; 13 અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી; 14 જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે. 15 આ વાતો તું લોકોને કહે, બોધ કર અને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર અને ઠપકો આપ. કોઈ પણ વ્યક્તિને તિરસ્કારભરી નજરે જોવા ન દઈશ.