3
પિતર લંગડા માણસને સાજો કરે છે
એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો. જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો. તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા.
પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!” તે માણસે તેઓના તરફ જોયું, તેણે વિચાર્યુ તેઓ તેને થોડા પૈસા આપશે. પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”
પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો. 9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.
પિતરનું લોકોને સંબોધન
11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.
12 જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું? 13 ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી. 14 ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું. 15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.
16 “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે આ લંગડો માણસ સાજો થયો. આ બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે આ માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!
17 “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે ઈસુ સાથે આમ કર્યુ કારણ કે તમે શું કરતાં હતા તે તમે જાણતાં નહોતા. તમારા અધિકારીઓ પણ સમજતા ન હતા. 18 દેવે કહ્યું કે આ વસ્તુઓ બનશે. દેવે બધા પ્રબોધકો મારફતે કહ્યું કે તેનો ખ્રિસ્ત દુ:ખ સહેશે અને મૃત્યુ પામશે. દેવે આ કેવી રીતે પૂર્ણ કર્યુ એ મેં તમને કહ્યું. 19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે. 20 પછી પ્રભુ તમને આત્મિક તાજગી માટે સમય આપશે. તે તમને ઈસુ આપશે, તે એક ખ્રિસ્ત તરીકે પસંદ થયેલ છે.
21 “પણ જ્યાં સુધી બધી વસ્તુઓ ફરીથી બરાબર ન થાય ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ. જ્યારે તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા તે બોલ્યો હતો ત્યારે ઘણાં લાંબા સમય પહેલા દેવે આ સમય વિષે કહ્યું હતું. 22 મૂસાએ કહ્યું, ‘પ્રભુ તારો દેવ તને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. તે મારા જેવો હશે. તમને પ્રબોધક જે કહે તે સર્વનું પાલન કરવું જોઈએ. 23 અને જો કોઇ વ્યક્તિ તે પ્રબોધકની અવજ્ઞા કરશે તો, પછી તેનું મૃત્યુ થશે, અને દેવના લોકોથી તે જુદો પડશે.’
24 “શમુએલના કહ્યા પછી તેના પછીના બધા પ્રબોધકોએ દેવ વિષે કહ્યું છે. તે સર્વ જણે આ સમય માટે પણ કહ્યું છે. 25 પ્રબોધકોએ જેના વિષે કહ્યું હતું તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પૂર્વજો સાથે જે કરાર કર્યો હતો તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પિતા ઈબ્રાહિમને કહ્યું હતું. ‘પૃથ્વી પરના દરેક રાષ્ટ્ર તમારા સંતાનો દ્ધારા આશીર્વાદિત થશે.’* 26 દેવે તેના ખાસ સેવકને મોકલ્યો છે. દેવે ઈસુને તમારી પાસે પ્રથમ મોકલ્યો છે. દેવે તમને આશીર્વાદ આપવા માટે ઈસુને મોકલ્યો છે. તમારામાંના દરેકને ખરાબ કાર્યો કરવામાંથી પાછા ફેરવીને તે આમ કરે છે.”
* 3:25 ‘પૃથ્વી … થશે.’ ઉત. 22:18; 26:24