4
યહૂદિઓની ન્યાયસભા સમક્ષ પિતર અને યોહાન
1 જ્યારે પિતર અને યોહાન લોકોને વાત કરતા હતા, ત્યારે કેટલાક માણસો તેમની પાસે આવ્યા. ત્યાં કેટલાક યહૂદિ યાજકો, મંદિરનું રક્ષણ કરતા સૈનિકોના સરદારો અને કેટલાક સદૂકિયો હતા.
2 તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે.
3 યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનની ધરપકડ કરીને તેઓને જેલમાં પૂર્યા. તે વેળા લગભગ રાત હતી. તેથી તેઓએ પિતર અને યોહાનને બીજા દિવસ સુધી જેલમાં રાખ્યા.
4 પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5,000 માણસોની સંખ્યા થઈ.
5 બીજા દિવસે યહૂદિ અધિકારીઓ, વડીલો, અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા.
6 અન્નાસ (પ્રમુખ યાજક) કાયાફા, યોહાન, અને આલેકસાંદર ત્યાં હતા. પ્રમુખ યાજક પરિવારના પ્રત્યેક ત્યાં હતા.
7 તેઓએ પિતર અને યોહાનને ભેગા થયેલા બધા લોકોની સામે ઊભા રાખ્યા. યહૂદિ આગેવાનોએ તેઓને ઘણી બધી વાર પૂછયું, “તમે કેવી રીતે આ અપંગ માણસને સાજો કર્યો? તમે કયા સાર્મથ્યનો ઉપયોગ કર્યો? તમે કોના અધિકારથી આ કર્યુ?”
8 પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો:
9 આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો? તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો?
10 અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.
11 ‘જે પથ્થર તમે બાંધનારાઓએ નકામો ગણ્યો હતો.
પણ હવે એ જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.’ ગીતશાસ્ત્ર 118:22
12 માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”
13 યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.
14 તેઓએ એક અપંગ માણસને ત્યાં બે પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેથી તેઓ પ્રેરિતોની વિરૂદ્ધ કંઈકહી શક્યા નહિ.
15 યહૂદિ આગેવાનોએ તેઓને સભા છોડી જવા કહ્યું. પછી આગેવાનોએ તેઓને શું કરવું જોઈએ તે વિષે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.
16 તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું? યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી.
17 આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”
18 પછી યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનને ફરીથી અંદર બોલાવ્યા. તેઓએ પ્રેરિતોને ઈસુના નામે કંઈ પણ શીખવવાની કે કહેવાની મનાઇ કરી.
19 પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું?
20 અમે શાંત રહી શકીએ નહિ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે તેના સંદર્ભમાં અમારે લોકોને કહેવું જોઈએ.”
21-22 યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.) તેથી યહૂદિ આગેવાનોએ પ્રેરિતોને ફરીથી ચેતવણી આપીને છોડી દીધા.
પિતર અને યોહાનનું વિશ્વાસીઓમાં પાછા જવું
23 પિતર અને યોહાને યહૂદિ આગેવાનોની સભાનો ત્યાગ કર્યો અને તેઓ પોતાના સમૂહમાં ગયા. તેઓએ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોએ તેમને જે કંઈ કહ્યું હતું તે બધું સમૂહને કહ્યું.
24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે.
25 અમારો પૂર્વજ દાઉદ તારો સેવક હતો. પવિત્ર આત્માની સહાયથી તેણે આ શબ્દો લખ્યા:
‘શા માટે રાષ્ટ્રો બૂમો પાડે છે?
શા માટે વિશ્વના લોકો દેવની વિરૂદ્ધ યોજના ઘડે છે? તે નિરર્થક છે!
26 ‘પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે,
અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.’ ગીતશાસ્ત્ર 2:1-2
27 જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે.
28 આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું.
29 અને હવે, પ્રભુ, તેઓ શું કહે છે તે સાંભળ, તેઓ અમને ધમકાવે છે! પ્રભુ, અમે તારા સેવકો છીએ. તું અમારી પાસે જે કહેવડાવવા ઇચ્છતો હોય તે અમે ભય વગર બોલીએ તેમાં અમને સહાય કર.
30 તારું સાર્મથ્ય બતાવીને અમને સાર્મથ્યવાન થવામાં મદદ કર. માંદા લોકોને સાજા કર, સાબિતીઓ આપ, અને ઈસુના નામના અદભૂત સાર્મથ્યથી તે અદભૂત ચમત્કારો થવા દે, જે તારો પવિત્ર સેવક છે.”
31 વિશ્વાસીઓની પ્રાર્થના પછી તેઓ જ્યાં ભેગા થયા હતા તે મકાન હાલ્યું. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને તેઓએ દેવનો સંદેશો નિર્ભય રીતે કહેવાનું ચાલુ કર્યું.
વિશ્વાસીઓનો ભાગ
32 વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા.
33 મહાન સાર્મથ્યથી પ્રેરિતોએ લોકોને કહ્યું કે પ્રભુ ઈસુ ખરેખર મૃત્યુમાંથી ઉઠ્યો છે. અને દેવે બધા વિશ્વાસીઓને ઘણા આશીર્વાદ આપ્યા હતા.
34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં.
35 તેઓએ પૈસા લાવીને પ્રેરિતોને આપ્યા. પછી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવામાં આવી.
36 વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો.
37 યૂસફની માલિકીનું એક ખેતર હતું. તેણે ખેતર વેચીને પૈસા લઈને તે પૈસા પ્રેરિતોને આપ્યા હતા.