10
મૂર્તિઓ વિષે ચેતવણી
મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા; તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા; સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું, તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા. જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.
જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા. જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.
જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ. 10 વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.
11 હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે. 12 માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે. 13 માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.
14 એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ. 15 તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો. 16 આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં? 17 રોટલી એક જ છે, માટે આપણે ઘણાં છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.
18 જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી? 19 તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?
20 ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે. 21 તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી. 22 તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?
23 સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી. 24 માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
25 જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ; 26 કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે. 27 જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.
28 પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ. 29 હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે? 30 જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?
31 માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો. 32 તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ; 33 તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.