9
પ્રેરિતોના હકકો અને ફરજો
શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી? જોકે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો.
મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે; શું અમને ખાવાપીવાનો અધિકાર નથી? શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી? અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ મારે તથા બાર્નાબાસને માટે જ છે?
એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા કોણ જાનવર પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો નથી? એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી?
કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે? 10 કે વિશેષ આપણાં લીધે તે એમ કહે છે? આપણાં લીધે તો લખ્યું છે, કે જે ખેડે છે તે આશાથી ખેડે અને જે મસળે છે તે ફળ પામવાની આશાથી તે કરે. 11 જો અમે તમારે માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કઈ વધારે પડતું કહેવાય?
12 જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતા અમે વિશેષે દાવેદાર નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ. 13 એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ સભાસ્થાનનું ખાય છે; જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે, તેઓ યજ્ઞવેદીના અર્પણના ભાગીદાર છે એ શું તમે નથી જાણતા? 14 એમ જ પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે.
15 પણ એવો કશો વહીવટ મેં નથી કર્યો; મને એવા લાભ મળે તે માટે હું આ લખું છું એવું નથી. કેમ કે કોઈ મારું અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે. 16 કેમ કે જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.
17 જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે. 18 માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતાં હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરું, એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહિ.
19 કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં હું સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવું. 20 યહૂદીઓ માટે હું યહૂદી જેવો થયો કે જેથી યહૂદીઓને બચાવું; નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવું.
21 નિયમશાસ્ત્રરહિત લોકો માટે નિયમશાસ્ત્રરહિત મનુષ્ય જેવો થયો; જોકે હું પોતે ઈશ્વરનાં નિયમશાસ્ત્રરહિત નહિ પણ ખ્રિસ્તનાં નિયમશાસ્ત્રને આધીન છું; 22 નિર્બળોની સાથે હું નિર્બળ થયો કે જેથી નિર્બળોને બચાવું. સર્વની સાથે સર્વના જેવો થયો છું કે જેથી હું સર્વ રીતે કેટલાકને બચાવું. 23 હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં.
24 શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારાં સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તમે એવું દોડો કે ઈનામ તમને મળે. 25 પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે અવિનાશી મુગટ પામવા માટે. 26 એ માટે હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારના જેવો નહિ. 27 હું મારા શરીરને શિસ્ત તથા સંયમમાં રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે પડતો મુકાઉં.