5
વ્યભિચાર સામે ચેતવણી
મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ;
મારી બુદ્ધિ તરફ તારા કાન ધર
જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે,
અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.
કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે.
અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.
પણ તેનો અંત વિષ જેવો કડવો,
બેધારી તલવાર જેવો તીક્ષ્ણ હોય છે.
તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે;
તેના પગલાં શેઓલમાં પહોંચે છે.
તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી.
તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે.
હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો;
અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ.
તમારા માર્ગો તેનાથી દૂર રાખો
અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ.
રખેને તું તારી આબરુ બીજાઓને
અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે;
10 રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય,
અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે.
11 રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થાય
અને તું અંત સમયે વિલાપ કરે.
12 તું કહીશ કે, “મેં કેવી રીતે શિખામણનો ધિક્કાર કર્યો છે
અને મારા હૃદયે ઠપકાને તુચ્છ ગણ્યો છે!
13 હું મારા શિક્ષકોને આધીન થયો નહિ
અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ.
14 મંડળ અને સંમેલનોમાં
હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો.”
15 તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું,
અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.
16 શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું,
અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું?
17 એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય
અને તારી સાથેના પારકાઓ માટે નહિ.
18 તારું ઝરણું આશીર્વાદ પામો,
અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન*.
19 જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે.
તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે;
હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.
20 મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ?
શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ?
21 માણસના વર્તન-વ્યવહાર ઉપર યહોવાહની નજર હોય છે
અને માણસ જે કંઈ કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે.
22 દુષ્ટ પોતાની જ દુષ્ટતામાં સપડાય છે;
અને તેઓનાં પાપો તેઓને દોરડાની જેમ જકડી રાખે છે.
23 કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે;
અને શિક્ષણ વિના તે માર્યો જશે.
* 5:18 5:18 તારી યુવાનીનો પત્ની સાથે આનંદ માણ